Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

લ્યો બોલો... હરિદ્વાર- ઋષિકેશ વગેરે સ્થળોએ ફસાયેલા વિદેશીઓને પોતાના દેશ નથી જવું

૭૬ દેશોના ૮૦૦ વિદેશી પર્યટકોને ભારત ગમી ગયું: ભારતમાં પોતાના દેશ કરતાં સ્થિતિ સારી છે

દહેરાદૂન, તા.૨૫: ઉત્તરાખંડના ઋષિકેશ અને હરિદ્વારમાં લોકડાઉન બાદ હજુ પણ ૭૬ દેશોના કુલ ૮૦૦ વિદેશી પર્યટકો ત્યાં જ રોકાયેલા છે. લોકડાઉનમાં મળેલી છૂટ છતાં પણ આ વિદેશીઓ પોતાના વતન દેશ પરત ફર્યા નથી. સમગ્ર ઉત્ત્।રાખંડમાં વિદેશી પર્યટકોની સંખ્યા હવે કુલ ૯૪૭ થઈ ગઈ છે. તારીખ ૨૯ માર્ચ, ૨૦૨૦ના રોજ ઉત્તરાખંડમાં કુલ ૧૬૮૬ વિદેશી પર્યટકો ફસાયેલા હતા કે જેઓ ૯૦ અલગ-અલગ દેશો સાથે સંબંધ ધરાવતા હતા. જે પૈકી કુલ ૭૩૯ ઈન્ટરનેશનલ ટૂરિસ્ટ્સ લોકડાઉનની છૂટ અને એમ્બેસીની વિશેષ અનુમતિ પછી પોતાના વતન દેશ પરત ફર્યા છે.

અહીં ઉત્તરાખંડમાં સ્થાનિક લોકોની વચ્ચે વિદેશી પર્યટકો પોતાના ઘર જેવા વાતાવરણનો અનુભવ કરે છે. જે પૈકી મોટાભાગના લોકોનું એવું કહેવું છે કે આ ક્ષેત્ર કોરોના સંકટથી મુકત છે. અમારા દેશોમાં તો કોરોના વાયરસ વધુ ફેલાયો છે પણ અહીં અમને કોઈ પરેશાની નથી. અમારા દેશમાં કોરોના વાયરસ ખતમ થયા બાદ અમે અહીંથી પાછા જઈશું.

લોકડાઉનના કારણે ઉત્તરાખંડના ટૂરિઝમ બિઝનેસને મોટો ફટકો પડ્યો છે. ઉત્તરાખંડના હરિદ્વાર અને ઋષિકેશમાં લોકડાઉનના કારણે કોઈ પર્યટકો આવી રહ્યા નથી. તેઓને આ કારણે કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. ઉત્તરાખંડના ચારધામ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ ખુલ્યા બાદ પણ મંદિરોના દર્શન માટે કોઈ શ્રદ્ઘાળુઓ આવી રહ્યા નથી. લોકડાઉનના કારણે ઉત્ત્।રાખંડમાં હોટેલનો વ્યવસાય પણ ઠપ થઈ ગયો છે કારણકે હાલ ટૂરિઝમ બંધ હોવાને કારણે કોઈ ટૂરિસ્ટ ત્યાં આવી રહ્યા નથી. જેની અસર હવે ત્યાંના રોજગાર પર પણ પડી છે.

(9:36 am IST)