Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

લગ્નો મોકૂફ રહેતા કેટરર્સ, ડેકોરેટર્સ અને બેન્ડવાળાને લોકડાઉનનું ગ્રહણ

આ ઉદ્યોગ સાથે સંકળાયેલાઓએ રોજગારી ગુમાવી

મુંબઇ, તા.૨૫: કોરોના સંક્રમણને રોકવા જાહેર કરવામાં આવેલા લોકડાઉનને કારણે મંડપ સર્વિસ, કેટરિંગ, લાઇટિંગ, સાઉન્ડ, બેન્ડ વગેરે વ્યવસાયીઓની સિઝન નિષ્ફળ ગઇ છે. લગ્ન પ્રસંગ, ધાર્મિક પ્રસંગ, સગાઇ સહિતના કાર્યક્રમો રદ થતા રૂ.૨૫૦ કરોડની ખોટ ગઇ છે. આ વ્યવસ્યામાં સુરતમાં જ જોડાયેલા ૨.૫ લાખ લોકો બેરોજગાર બની ગયા છે.

શહેરમાં કોરોના કેર વચ્ચે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. લોકડાઉનના પગલે ધંધા-ઉદ્યોગ પર માઠી અરસ પડી છે. શહેરમાં તમામ લગ્નો સહિતના શુભ પ્રસંગો અને ધાર્મિક કાર્યક્રમો કેન્સલ થયા છે તેથી, મંડપ સર્વિસ, લાઇટિંગ, સાઉન્ડ સિસ્ટમ, કેટરિંગ અને બેન્ડવાજાવાળાને અંદાજિત ૨૫૦ કરોડનું નુકસાન થયંુ છે. આ ક્ષેત્રમાં રોજગારી મેળવતા અંદાજિત ૨.૫ લાખો લોકો બેરોજગાર થયા છે. શિયાળા અને ઉનાળાની સિઝનમાં આખા વર્ષની કમાણી કરતા મંડપ સર્વિસ, લાઇટિંગ, સાઉન્ડ સિસ્ટમ અને બેન્ડવાજાવાળાની સિઝન નિષ્ફળ જતા તમામ ઓર્ડર કેન્સલ થયા છે. લોકોને ડિપોઝિટ પણ પાછી આપવી પડી છે. છેલ્લા ૩૩ વર્ષથી મંડપ સર્વિસના વ્યવસાય સાથે સંકળાયેલા અશોક કથિરિયાએ જણાવ્યું કે ઉનાળામાં લગ્નો ઉપરાંત ભાગવત કથા, સપ્તાહ, પારાયણ, સત્સંગ સહિતના કાર્યક્રમો યોજાય છે. તમામ કાર્યક્રમ રદ થયા છે.

કોરોનાના કેર વચ્ચે લગ્નની શરણાઇ મંુગી થઇ છે. બેન્ડવાજાના વ્યવસાય સાથે સંકળાયેલા અનેક લોકો હાલમાં લગ્ન પ્રસંગો બંધ રહેતા બેકાર બની ગયા છે. આખા વર્ષની કમાણી માત્ર લગ્ન પ્રસંગોમાંથી કરતા આ કલાકારો હાલમાં અન્ય વ્યવસાયો તરફ્ વાળવા લાગ્યા છે. કોઈપણ લગ્ન પ્રસંગ બેન્ડવાજા અને ઓરકેસ્ટ્રા વગર અધૂરા રહે છે. હાલમાં કોરોનાના કારણે લગ્ન સાદાઈથી પતિ જતા હોવાથી ઓરકેસ્ટ્રા અને બેન્ડ વાજાના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો ભારે આર્થિક મંદીમાં સપડાયા છે. બેન્ડવાજાના કલાકારો માટે દિવાળી બાદ ઉનાળામાં સિઝનનાં હોય છે. આખા વર્ષની કમાણી આ લોકો બે સિઝનમાં કરી લેતા હોય છે પરંતુ, લોક ડાઉનને લઈને ઉનાળાની સિઝન નિષ્ફળ ગઇ છે.

સુરતમાં બેન્ડવાજા વ્યવસાયમાં સંકળાયેલા મોટા ભાગના કારીગરો મહારાષ્ટ્રથી આવે છે. તેઓ સિઝનમાં સુરત આવે છે. બાદમાં ફરીથી પોતાના વતનમાં જતા રહે છે. આમ, સિઝનમાં સુરત આવીને રોજીરોટી કમાતા ગરીબ કારીગરોની હાલત કફોડી બની છે.

લગ્ન પ્રસંગમાં કોન્ટ્રાકટ પર રસોઇ બનાવતા રસોઇયા મુકુંદભાઇ મહંતે જણાવ્યંુ કે મંે છેલ્લા ૫૦ વર્ષમાં આવી કારમી મંદીની  સિઝન કયારેય જોઇ નથી. છેલ્લા બે માસમાં મે ૧૫ થી ૨૦ ઓર્ડર ગુમાવ્યા છે. મોટાભાગના ઓર્ડર ૬૦૦ થી ૧૦૦૦ લોકોની રસોઇના હતા પરંતુ, લોકડાઉનને કારણે કેટરસ ઉદ્યોગને કરોડો રૂપિયાનો ફટકો પડયો છે. કેટરર્સ સાથે સંકળાયેલા રસોઇયા, હેલ્પરો અને મહિલાઓની હાલત કફોડી બની છે.

(9:35 am IST)