Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

પશ્ચિમ બંગાળ બાદ હવે પશ્ચિમ ભારતમાં વાવાઝોડાની દહેશત : અરબ સમુદ્રમાં નવી સાયક્લોન પેટર્ન સર્જાઇ

ચક્રવાત જૂનના પ્રથમ સપ્તાહમાં કોઇ પણ રાત્રે પશ્ચિમ ભારતના રાજ્યોને ધમરોળી શકે છે.

અમદાવાદ : કોરોનાના કહેર વચ્ચે પશ્ચિમ બંગાળમાં ચક્રવાત અમ્ફાને મોટી તબાહી મચાવ્યા બાદ હવે અરબ સમુદ્રમાં એક નવી સાયક્લોન પેટર્ન સર્જાઇ રહી છે જે પશ્ચિમ ભારતને ધમરોળશે તેવી દહેશત વ્યક્ત કરાઇ છે.

અત્રે ઉલેલ્ખનીય છે કે બે દિવસ પહેલા જ પશ્ચિમ બંગાળમાં ચક્રવાત અમ્ફાને ભારે તારાજી સર્જી છે અને હવે અરબ સમુદ્રમાં તૈયાર થઇ રહેલી સાયક્લોનની પેટર્ન જાન-માલની મોટી હાની સર્જે નહીં તે માટે વહીવટીતંત્ર અગમચેતીના પગલાં લેવા પડશે.

ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે આગાહી કરતા જણાવ્યું કે, હાલ અરબ સમુદ્રમાં વાવાઝાડાની પેટર્ન સર્જાઇ રહી છે જે પશ્ચિમ ભારતના રાજ્યો ઉપર ત્રાટકી શકે છે. આ ચક્રવાત જૂનના પ્રથમ સપ્તાહમાં કોઇ પણ રાત્રે પશ્ચિમ ભારતના રાજ્યોને ધમરોળી શકે છે.

સ્કાયમેટે વધુમાં જણાવ્યુ કે,અરબ સમુદ્રમાં મોટું દબાણ સર્જાઇ રહ્યુ છે જેનાથી વાવાઝોડાની સ્થિતિ ઉભી થઇ રહી છે. હવામાનનુ આ દબાણ જૂનના પ્રથમ સપ્તાહમાં મોટા તોફાનનું સ્વરૂપ ધારણ કરી શકે છે.

(12:00 am IST)