Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

જીડીપી દર નેગેટિવ રહેશે તે પ્રશ્ને પી ચિદમ્બરમ લાલઘૂમ

સરકારે અર્થતંત્રને નકારાત્મક તરફ ધકેલી દીધું છે : રિઝર્વ બેન્કના નિવેદન બાદ સીતારમન એક એવા પેકેજની પ્રશંસા કરી રહ્યા છે, જે જીડીપીના એક ટકાથી પણ ઓછું છે

નવી દિલ્હી, તા. ૨૪ : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાણાં મંત્રી પી. ચિદમ્બરમે આર્થિક મોરચે સરકારની કામગીરી સામે વધુ એક વખત પ્રહાર કર્યા છે. ચિદમ્બરમે શનિવારે એક ટ્વિટમાં લખ્યું છે કે, ભારતીય રિઝર્વ બેન્કના ગર્વનર શક્તિકાંત દાસે કહ્યું છે કે માંગને ખરાબ રીતે અસર થઈ છે. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં આર્થિક વૃદ્ધિ દર નકારાત્મક રહી શકે છે. તો પછી અર્થવ્યવસ્થામાં વધારે રોકડ કેમ નાંખી રહ્યાં છે ? તેમણે સરકારને સ્પષ્ટ કહી દેવું જોઈએ કે તેઓ પોતાની ફરજ બજાવે, નાણાકીય ઉપાય કરે.

ચિદમ્બરમે પોતાની આગામી ટ્વિટમાં કહ્યું છે કે, રિઝર્વ બેન્કના નિવેદન બાદ પણ વડાપ્રધાન કાર્યાલય અને નાણામંત્રી નિર્મલા સીતારમન એક એવા પેકેજની પ્રશંસા કરી રહ્યા છે, જે જીડીપીના એક ટકાથી પણ ઓછું નાણાકીય પ્રોત્સાહન છે. આરએસએસને શરમ આવવી જોઈએ કે કેવી રીતે સરકારે અર્થવ્યવસ્થાને નકારાત્મક વૃદ્ધિ દર તરફ ધકેલી દીધી છે.

કોરોના વાયરસ સામે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ શુક્રવારે વધુ એક વખત રેપો રેટ, રિવર્સ રેપો રેટ  તથા વ્યાજદરમાં ઘટાડો કર્યાે છે. કેન્દ્રિય બેન્કે રિવર્સ રેપો રેટ ઘટાડીને ૪ ટકા કરી દીધો છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે આ દરમિયાન જણાવ્યું હતું કે, ૨૦૨૦-૨૧માં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટનો વૃદ્ધિદર નેગેટીવ રહી શકે છે. તેમણે કહ્યું હતું કે, ૨૦૨૦-૨૧માં જીડીપી ગ્રોથ નેગેટિવ રહેવાનું અનુમાન છે. ચોમાસુ સામાન્ય રહેવાનું અનુમાન છે. દાળની કિંમતોમાં ઉછાળો ચિંતાનો વિષય છે. કૃષિ ઉત્પાદનથી તમામ લોકોને લાભ મળશે. ડબલ્યુટીઓના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક વ્યાપાર ૧૩ થી ૩૨ ટકા સુધી ઘટી શકે છે.

(12:00 am IST)