Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

૧૮૭૯૦ કરોડથી વધુના રેલ્વે પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે

બંદરોને રેલ કનેક્ટીવીટી આપીને ખર્ચ ઘટાડાશે : ભારતીય બંદર રેલ કોર્પોરેશન દ્વારા અન્ય ઘણી સંસ્થાની સાથે મળીને પ્રોજેક્ટો અમલી કરવામાં આવ્યા છે : રિપોર્ટ

નવીદિલ્હી, તા. ૨૪ : તમામ બંદરોને રેલ કનેક્ટીવીટી ઉપલબ્ધ કરાવીને લોજિસ્ટિક ખર્ચને ઘટાડવાના હેતુસર ઇન્ડિયન પોર્ટ રેલ કોર્પોરેશન દ્વારા અન્ય સંસ્થાઓની સાથે મળીને ૧૮૭૯૫ કરોડ રૂપિયાના પ્રોજેક્ટો અમલી બનાવી દીધા છે. સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આના પરિણામ સ્વરુપે ખર્ચમાં ઘટાડો થઇ શકશે. તમામ મોટા બંદરો અને રેલ વિકાસ નિગમ લિમિટેડ વચ્ચે સંયુક્ત સાહસરુપે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આના ભાગરુપે રેલવેને બંદર સેક્ટરમાં પરિવહનના મોડ તરીકે વિકસિત કરવાની હિલચાલ ચાલી રહી છે. સરકાર દ્વારા મહત્વકાંક્ષી સાગરમાલા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. દેશમાં બંદરના નેતૃત્વમાં વિકાસ માટેના ફ્લેગશીપ કાર્યક્રમ તરીકે તેને જોવામાં આવે છે. સાગરમાલા હેઠળ ઓળખી કાઢવામાં આવેલા રેલ કનેક્ટીવીટી પ્રોજેક્ટો પૈકીના ૫૦ ટકાથી વધુ પ્રોજેક્ટો જુદી જુદી સંસ્થાઓ મારફતે અમલી બની ચુક્યા છે. આઈપીઆરસીએલ, શિપિંગ મંત્રાલય જેવી સંસ્થાઓ મારફતે આ પ્રોજેક્ટો અમલી કરવામાં આવ્યા છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ૪૨૪૭ કિલોમીટરની લંબાઈ માટે ૭૦ રેલ કનેક્ટીવીટી પ્રોજેક્ટો ઓળખી કાઢવામાં આવ્યા છે જેને ૪૬૭૨૮ કરોડ રૂપિયાના ખર્ચ સાથે અમલી કરવામાં આવનાર છે. ઓળખી કાઢવામાં આવેલા ૭૦ પ્રોજેક્ટો પૈકી ૨૭ પ્રોજેક્ટો ૧૮૭૯૫ કરોડ રૂપિયાના ખર્ચ સાથે ૧૯૬૭ કિમી માટે અમલીકરણ હેઠળ છે જ્યારે ૪૨૬ કિલોમીટરની લંબાઈ ધરાવતા ૧૩ પ્રોજેક્ટો ૨૫૯૨ કરોડ રૂપિયાના ખર્ચ સાથે પૂર્ણ કરવામાં આવી ચુક્યા છે. જ્યારે ૨૫૩૪૧ કરોડ રૂપિયાના મૂડીરોકાણ સાથે ૩૦થી વધુ પ્રોજેક્ટો હાલ અમલીકરણ પહેલાના તબક્કામાં છે. આનાથી ૧૯૬૭ કિલોમીટરને કનેક્ટીવીટી મળી જશે. શિપિંગ મંત્રાલય હેઠળ સાગરમાલાનો ઉદ્દેશ્ય બંદરોના નેતૃત્વમાં વિકાસની કામગીરીને વધુ ઝડપી કરવાનો રહ્યો છે. સાગરમાલા મુજબ સાત લાખ કરોડ રૂપિયાથી વધુના ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણ સાથે ૪૦૦થી વધુ પ્રોજેક્ટો ઓળખી કાઢવામાં આવ્યા છે. આ તમામ પ્રોજેક્ટોના ભાગરુપે બંદરોને આધુનિક બનાવવામાં આવશે. નવા બંદરો વિકસિત કરવામાં આવશે. કેનેક્ટીવીટીને વધારવામાં આવશે. બંદર સંબંધિત ઔદ્યોગિકરણ કરવામાં આવશે. કંપની એક્ટ હેઠળ જુદી જુદી પહેલ કરવામાં આવી રહી છે. સરકારે પહેલાથી જ કહ્યું છે કે, એસપીવીની કામગીરીના લીધે ખર્ચને ઉલ્લેખનીયરીતે ઘટાડી શકાશે.

માર્ચ સુધી તમામ ટ્રેનમાં બાયોટોયલેટ મુકી દેવાશે

પ્રતિ ટોયલેટ એક લાખનો ખર્ચ

        નવીદિલ્હી, તા. ૨૪ : માર્ચ ૨૦૧૯ સુધી તમામ ટ્રેનોમાં બાયોટોયલેટ ગોઠવી દેવાની ભારતીય રેલવે દ્વારા યોજના તૈયાર કરવામાં આવી છે. રેલવે બોર્ડના સભ્યો રવિન્દ્ર ગુપ્તા દ્વારા આ મુજબની વાત કરવામાં આવી છે. એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું હતું કે, ૩૧મી મે સુધી ૧૩૬૯૬૫ બાયોટોયલેટ ૩૭૪૧૧ કોચમાં ગોઠવી દેવામાં આવ્યા છે. આની પાછળ પ્રતિ ટોયલેટ એક લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, માર્ચ ૨૦૧૯ સુધી ૧૮૭૫૦ વધુ કોચમાં બાયોટોયલેટ રહેશે. તે વખતે ભારતીય રેલવેના તમામ કોચ આ પ્રકારના ટોયલેટથી સજ્જ થશે. આના લીધે ભારતીય રેલવેને ૨૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ ઉપાડવો પડશે. બાયોટોયલેટને લઇને છેલ્લા ઘણા સમયથી માંગ ઉઠી રહી છે. બાયોટોયલેટ મારફતે ગંદગીને રોકી શકાશે. ટ્રેક ઉપર કોઇપણ પ્રકારની ગંદગી પણ થશે નહીં.

(7:38 pm IST)