Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

દલાલ સ્ટ્રીટમાં વિવિધ પરિબળો વચ્ચે પ્રવાહી પરિસ્થિતિના સંકેત

એફ એન્ડ ઓ પૂર્ણાહૂતિ, મોનસુન, ઓપેક પરિણામની અસર રહેશે : ફાઈનાન્સિયલ-ફાર્મા કાઉન્ટરોમાં લેવાલી બાદ આજથી શરૂ નવા કારોબારી સેશનમાં અન્ય પરિબળોની અસર રહેશે : કારોબારી ટ્રેડવોરને લઇને ચિંતિત

મુંબઈ, તા.૨૪ : શેરબજારમાં આવતીકાલથી શરૂ થતા નવા કારોબારી સેશનમાં જુદા જુદા પરિબળોની અસર હેઠળ પ્રવાહી સ્થિતિ રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. દલાલ સ્ટ્રીટમાં કારોબારીઓ મોનસુનની સ્થિતિ, ઓપેકની બેઠકના પરિણામ, એફ એન્ડ ઓની પૂર્ણાહૂતિ સહિતના પરિબળોને લઇને સાવધાન થયેલા છે. ફાઈનાન્સિયલ અને ફાર્મા કાઉન્ટરોમાં લેવાલી જામી રહી છે. સેંસેક્સ ૬૮ પોઇન્ટ ઉછળીને આ સપ્તાહમાં ૩૫૬૮૯ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ચાર પોઇન્ટ ઉછળીને ૧૦૮૨૧ની સપાટીએ રહ્યો હતો. બજાજ ફાઈનાન્સ દ્વારા પ્રથમ વખત માર્કેટ મૂડીની દ્રષ્ટિએ એક્સિસ બેંકને પાછળ છોડી દેવામાં સફળતા મેળવી છે. બેંકિંગ, ફાઈનાન્સિયલ સર્વિસ અને ઇન્સ્યોરન્સમાં બજાજ ફાઈનાન્સની બોલબાલા દેખાઈ રહી છે. ટ્રેડવોરને લઇને પણ ચિંતા જોવા મળી રહી છે. ભૌગોલિક પરિબળો પણ રોકાણકારોને સાવધાન રહેવા માટે કહી રહ્યા છે. જૂન-સપ્ટેમ્બર દક્ષિણ પશ્ચિમ મોનસુનની સ્થિતિ હાલમાં ચિંતા ઉપજાવે તેવી રહી છે. શુક્રવારના દિવસે ઓપેક અને તેના સાથીઓની બેઠક મળી હતી. ટ્રેડવોરને લઇને પણ દહેશત જોવા મળી રહી છે. અમેરિકાએ યુરોપિયન યુનિયન એસેમ્બલ કારની તમામ આયાત પર ૨૦ ટકા ટેરિફની ધમકી આપવામાં આવી છે. નવા સપ્તાહ દરમિયાન અન્ય જુદા જુદા પરિબળોની અસર પણ જોવા મળનાર છે. મુખ્ય તેલ નિકાસકાર દેશના ગ્રુપ  ઓપેક અને રશિયાએ આખરે પ્રતિદિન ૧૦ લાખ બેરલ અથવા તો વૈશ્વિક પુરવઠાને એક ટકા સુધી વધારી દેવાનો નિર્ણય કર્યો છે. જો કે ઉત્પાદન વધારી દેવા માટે પ્રસ્તાવનો પહેલા ઇરાન દ્વારા વિરોધ કરવામં આવ્યો હતો. જો કે અંતમાં તેને મનાવી લેવામાં સફળતા મળી હતી. ગ્રુપના સુત્રધાર સાઉદી અરેબિયાના તેલ પ્રધાન અલ ફાલેહે બેઠક બાદ કહ્યુ હતુ કે તેમને ખુશી છે કે અમે ૧૦ લાખ બેરલના આંકડા પર સહમત થઇ રહ્યા છીએ. તેમણે કહ્યુ હતુ કે ઉત્પાદન વધારી દેવાના સાઉદી અરેબિયાના પ્રસ્તાવને પૂર્ણ સહમતી મળી ચુકી છે. ઓપેકના ૧૪ સભ્ય દેશો ખાસ કરીને સાઉદી અરેબિયા, વેનેઝ્યુએલા, ઇરાન અને ઇરાકે વર્ષ ૨૦૧૬માં દુનિયાના ક્રુડ ઓઇલના રિઝર્વના ૮૦ ટકાથી વધારે હિસ્સાને નિયંત્રણ કર્યો હતો. બિન સભ્ય દેશ રશિયા સાઉદી અરેબિયા બાદ દુનિયાના બીજા સૌથી મોટા તેલ ઉત્પાદક દેશ તરીકે છે. દુનિયાના સૌથી મોટા તેલ વપરાશકાર દેશ અમેરિકા, ચીન અને ભારતે કિંમતોમાં ઘટાડો કરવાના હેતુથી સપ્લાયમાં વધારો કરવાની રજૂઆત કરી હતી. ક્રુડ ઓઇલ શુક્રવારના દિવસે બ્રેન્ટ એક્સચેંજ પર ૭૩.૯૮ ડોલરની સપાટી પર પહોંચી શકે છે.

ભારત અને ચીન દ્વારા ખાસ કરીને જોરદાર દબાણ લવાયુ હતુ.  મોનસુનની સ્થિતિને લઇને સૌથી વધારે ઉત્સુકતા જોવા મળી રહી છે. જૂન એફ એન્ડ ઓ કોન્ટ્રાક્ટની પ્રક્રિયા ગુરુવારના દિવસે પૂર્ણ થનાર છે. બે ઇશ્યુને લઇને પણ કારોબારીઓ ઉત્સાહિત રહ્યા છે જેમાં રાઇટસ અને ફાઈન ઓર્ગેનિકનો સમાવેશ થાય છે. આ બંનેને રોકાણકાર તરફથી ખુબ સારો પ્રતિસાત મળ્યો છે.

(7:35 pm IST)