Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

મોનસુન આ સપ્તાહમાં જ મધ્ય તેમજ ઉત્તર ભારતમાં પહોંચશે

ખરીફ વાવણીમાં ૯.૭ ટકાનો ઘટાડો નોંધાયો : મધ્ય અને ઉત્તર ભારતમાં મોનસુનમાં વિલંબ થતાં ખરીફ વાવણી ક્ષેત્ર ઘટ્યું : જુલાઈમાં વાવણી પ્રક્રિયા તીવ્ર રહેશે

નવીદિલ્હી, તા. ૨૪ : મોનસુનની પ્રવૃત્તિ ફરીવાર સક્રિય થઇ રહી છે અને આ સપ્તાહમાં જ મધ્ય અને ઉત્તર ભારત સુધી મોનસુન પહોંચે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. હવામાન વિભાગનું કહેવું છે કે, દેશમાં હાલમાં ૨૫ ટકાથી પણ ઓછો વરસાદ સામાન્ય કરતા ઓછો રહ્યો છે. મધ્ય ભારત અને ઉત્તર ભારતના મેદાની ભાગોમાં તાપમાનમાં વધારો થયા બાદ આગામી બે ત્રણ દિવસમાં રાહત મળી શકે છે. ૨૭મી જૂનથી ઉત્તર પશ્ચિમ ભારતના જુદા જુદા ભાગોમાં મોનસુન પહેલા ગાજવીજ સાથે વરસાદી ઝાપટા માટેની સ્થિતિ સર્જાઈ ગઈ છે. ૨૯મી જૂન સુધી દિલ્હીમાં મોનસુન પહોંચે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં મોનસુન બેસી જવાની તારીખ સામાન્યરીતે ૨૯મી જૂન રહેલી છે. આ વખતે દક્ષિણ પશ્ચિમ મોનસુન કેરળના દરિયાકાંઠાના વિસ્તારોમાં નિર્ધારિત સમય કરતા પહેલા પહોંચી ગયા બાદ આશા જાગી હતી પરંતુ મુંબઈમાં મોનસુનની એન્ટ્રી થયા બાદ મોનસુનની ગતિવિધિ અટકી ગઈ હતી. કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ હાલમાં થયો હતો. એકંદરે મોનસુનમાં ૧૦ ટકા ઓછો વરસાદ નોંધાયો છે. ચાર ડિવિઝન પૈકી માત્ર દક્ષિણી દ્વિપમાં ૨૯ ટકા વરસાદ થયો છે. જ્યારે પૂર્વ ઉત્તરપૂર્વીય અને ઉત્તરપશ્ચિમ ભારતમાં ૨૯ અને ૨૪ ટકાનો વરસાદ થયો છે. ૨૩મી જૂનથી મોનસુન ફરી સક્રિય થયું છે. ગુજરાતના જુદા જુદા ભાગોમાં તે આગળ વધ્યું છે જેમાં વેરાવળ, અમદાવાદ, મહારાષ્ટ્રના અમરાવતીનો સમાવેશ થાય છે. સમગ્ર આસામમાં પણ મોનસુનની એન્ટ્રી થઇ ચુકી છે. પૂર્વીય ભાગની વાત કરવામાં આવે તો ઉત્તર પશ્ચિમ બંગાળ, મીદનાપુરમાં વરસાદની એન્ટ્રી થઇ છે. ઉત્તર ભારતીય મેદાની ભાગોમાં ૨૭મી જૂનની આસપાસ વરસાદની એન્ટ્રી થઇ શકે છે. આગામી ૪૮ કલાકમાં ઓરિસ્સાના જુદા જુદા ભાગો, પશ્ચિમ બંગાળ, ગુજરાતના જુદા જુદા ભાગો, મધ્યપ્રદેશમાં મોનસુનની એન્ટ્રી થઇ શકે છે. પૂર્વીય ઉત્તરપ્રદેશમાં મોનસુનની રાહ જોવામાં આવી રહી છે. હવામાન વિભાગના કહેવા મુજબ મધ્ય અને ઉત્તર ભારતમાં મોનસુનમાં વિલંબના લીધે હાલત કફોડી બની છે. ખરીફ વાવણીમાં ૯.૭ ટકાનો ઘટાડો થયો છે. નિષ્ણાતોનું કહેવું છે કે, પૂર્વીય, મધ્ય અને ઉત્તર અને પશ્ચિમી ભાગમાં મોનસુન ફરી સક્રિય થયા બાદ વાવણીની ગતિવિધિ વધુ તીવ્ર બનશે.

૨૨મી જૂનના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન ખરીફ પાકની વાવણીમાં ઘટાડો થયો છે. આ ઘટાડો ૯.૭ ટકાની આસપાસનો રહ્યો છે. હવામાન વિભાગના કહેવા મુજબ મોનસુનની ગતિવિધિ હાલમાં જોરદાર આશાસ્પદ દેખાઈ રહી નથી. રાજસ્થાનમાં પણ વિલંબની સ્થિતિ રહેલી છે. ખરીફ સિઝન દરમિયાન સોયાબીન, મગફળી, સૂર્યમુખી જેવા મુખ્ય તેલિબિયાના પાક થાય છે. કઠોળમાં મસુરની વાવણી ગયા વર્ષ કરતા ૧૩૭૦૦૦ હેક્ટરમાં થઇ છે. મકાઈ કઠોળ અને તેલીબિયા જેવા મુખ્ય ખરીફ પાકની વાવણી માટે બારી હજુ પણ ખુલ્લી છે. જુલાઈ મહિનામાં વધુ પ્રમાણમાં વાવણી થનાર છે. ખરીફ પાક માટે જુલાઈ મહિનાને સૌથી મહત્વપૂર્ણ ગણવામાં આવે છે.

(7:31 pm IST)