Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

જીએસટી મોટા આર્થિક સુધાર તરીકે છે : મોદીએ કરેલો દાવો

નરેન્દ્ર મોદીએ ૪૫મી વખત મન કી બાત કરી : યોગ, ખેલ અને ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના સંદર્ભમાં મોદીએ વાત કરી : મુખર્જીનું અખંડ ભારતનું સપનું હતું

નવીદિલ્હી,તા. ૨૪ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ૪૫મી વખત મન કી બાત મારફતે દેશવાસિયો સાથે વાત કરી હતી. વડાપ્રધાને પોતાના રેડિયો કાર્યક્રમમાં ખાસરીતે યોગ, રમતગમત, ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના સંદર્ભમાં ચર્ચા કરી હતી. મોદીએ કહ્યું હતું કે, યોગ હવે રાષ્ટ્ર, જાતિ અને ધર્મની સરહદથી ઉપર ઉઠીને તમામ લોકોને પ્રેરિત કરે છે. શ્યામાપ્રસાદ મુખર્જીને યાદ કરતા તેમણે કહ્યું હતું કે, શ્યામાપ્રસાદ હંમેશા અખંડ ભારતનું સ્વપ્ન જોતા હતા. મોદીએ જીએસટીને લઇને પણ લોકોનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, જીએસટી દેશ માટે મહત્વપૂર્ણ સુધાર તરીકે છે. વિશ્વમાં સૌથી મોટા સુધારા તરીકે આને ગણી શકાય છે. આ ઐતિહાસિક સફળતા રાજ્યો અને લોકોના સહકારથી હાસલ થઇ છે. ૨૩મી જૂનના દિવસે દેશના સપૂત શ્યામા પ્રસાદ મુખર્જીની પૂણ્યતિથિ હતી. મોદીએ તેમને યાદ કરતા કહ્યું હતું કે, જુદા જુદા ક્ષેત્રોમાં તેમની ભૂમિકા હતી. ખાસ કરીને શિક્ષણના ક્ષેત્રમાં ઘણું કામ કર્યું હતું. માત્ર ૩૩ વર્ષની વયમાં યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર બન્યા હતા. ભારતની ઔદ્યોગિક પ્રગતિ માટે આધારશીલા મુકવામાં પણ તેમની ભૂમિકા હતી. ભારતની અખંડતાના સમર્થક તરીકે તેઓ રહ્યા હતા. તેમના કારણે જ બંગાળનો એક મોટો હિસ્સો ભારતના અખંડ ભાગ તરીકે છે. બાવન વર્ષની વયમાં તેઓએ દેશની એકતા અને અખંડતા માટે પોતાના પ્રાણ આપી દીધા હતા. જીએસટીના સંદર્ભમાં વાત કરતા મોદીએ કહ્યું હતું કે, જીએસટી મોટા આર્થિક સુધારા તરીકે છે. આના કારણે વચેટિયાઓની ભૂમિકા ખતમ થઇ ગઇ છે. ઇમાનદાર લોકોમાં જીએસટીને લઇને ભારે ઉત્સાહ જોવા મળે છે. મોદીએ કહ્યું હતું કે, દેશભરમાંથી લોકોના સંદેશા આ મહત્વપૂર્ણ સુધારાને લઇને મળતા રહે છે. જીએસટીના એક વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે મોદીએ કહ્યું હતું કે, વન નેશન વન ટેક્સ એક સપનું હતું પરંતુ જીએસટીના કારણે તે પૂર્ણ થયું છે. યોગનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, રમત ગમત અને યોગ મારફતે અમારા જીવનને વિસ્તાર મળે છે. યોગના દિવસે અનેક રેકોર્ડ સર્જાયા હતા.

(7:33 pm IST)