Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

ઇરાન-અમેરિકા ટેન્શન

અમેરિકાએ સલામતી પરિષદની બેઠકની કરી માંગ

વોશીંગ્ટન, તા.૨૨: ઇરાન અને અમેરિકાની વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. હવે સમાચાર આવી રહ્યા છે કે અમેરિકાએ ઇરાન પર યુએન સિકયોરિટી કાઉન્સિલની એક બેઠક બોલાવાનો આગ્રહ કર્યો છે. તાજેતરમાં ઇરાને અમેરિકાન શકિતશાળી સર્વિલન્સ ડ્રોનને તોડી પાડ્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન પર સૈન્ય કાર્યવાહી કરવાની મંજૂરી આપી દીધી હતી, જો કે મોડી રાત સુધીમાં તેમણે આદેશ પાછો પણ ખેંચી લીધો હતો. ત્યારબાદ ઇરાને ડ્રોનની તસવીરો પણ રજૂ કરી હતી.

એક ડિપ્લોમેટ્સના મતે અમેરિકાએ ઇરાન અને ખાડીમાં હાલના દ્યટનાક્રમ પર સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની એક બેઠક બોલાવાનો આગ્રહ કર્યો છે. ડિપ્લોમેટ્સે કહ્યું કે આ બેઠકમાં ખાડીમાં તેલ ટેન્કરો પર હુમલા અને એક અમેરિકન જાસૂસી ડ્રોનને ઇરાન દ્વારા તોડી પાડવા પર ચર્ચા થશે. ત્યાં એક અન્ય ડિપ્લોટમેટ્સે કહ્યું કે આ બેઠક સોમવારના રોજ બપોરે થશે.

આપને જણાવી દઇએ કે ડ્રોન તોડી પાડવાથી ભડકેલા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન પર હુમલાનો આદેશ આપ્યો હતો, પરંતુ એકશનની બરાબર પહેલાં તેને પાછો ખેંચી લીધો. રિપોર્ટસના મતે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગુરૂવાર મોડી રાત્રે વરિષ્ઠ નેતાઓ અને અધિકારીઓની સાથે અગત્યની બેઠક બોલાવી હતી. શરૂઆતમાં ટ્રમ્પે ઇરાનના કેટલાંક નિશ્યિત ટાર્ગેટસ જેવા કે રડાર અને મિસાઇલ બેટરીઓ પર એટેકને લઇ સહમતિ વ્યકત કરી હતી, પરંતુ ફરીથી અચાનક જ નિર્ણય બદલી નાંખ્યો.

ટ્રમ્પે શુક્રવારના રોજ કહ્યું કે ઇરાન પર બોમ્બ ફેંકવા માટે ઉતાવળ નથી. તેમણે કહ્યું કે અમેરિકન સેનાએ ટાર્ગેટ સેટ કરીને હથિયાર લોડ કરી લીધા હતા પરંતુ મોટી સંખ્યામાં લોકોના જીવ બચાવા માટે તેમણે આખરી મિનિટમાં નિર્ણયને પાછો ખેંચી લીધો. બીજીબાજુ ઇરાને ડ્રોનનો કાટમાળ દેખાડતા શુક્રવારના રોજ કહ્યું કે ઓમાનની ખાડીની ઉપર ઉડી રહેલા અમેરિકાના જાસૂસી ડ્રોનને તોડી પાડતા પહેલાં બે વખત વોર્નિંગ આપી હતી. ક્ષેત્રમાં ચાલી રહેલા તણાવને જોતા કેટલીય આંતરરાષ્ટ્રીય એરલાઇન્સે ઇરાન અને આસપાસથી પસાર થનાર આવતી-જતી ફ્લાઇટસને રોકી દીધી છે.

(9:46 am IST)