Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

ઈસરો ભવિષ્યમાં ચંદ્ર પર અવકાશ યાત્રીને મોકલશેઃ કે સિવન

આ વખતે અવકાશ યાત્રીઓ ભારતીય મોડયૂલમાં સવાર થઈને અવકાશમાં જશે

નવી દિલ્હી, તા.૨૨: ઈસરો ભવિષ્યમાં ચંદ્રની સપાટી પર અવકાશ યાત્રીને પણ મોકલશે. બુધવારના રોજ ઈસરો ચીફ સિવનને જયારે પૂછવામાં આવ્યું કે શું ઈસરો ચંદ્રની સપાટી પર અવકાશ યાત્રી મોકલવાનો વિચાર કરી રહ્યું છે? તો તેના જવાબમાં તેમણે જણાવ્યું કે અમે ભવિષ્યમાં જરૂરથી અવકાશ યાત્રીઓને ચંદ્ર પર મોકલીશું, પરંતુ હાલ અમે તેના પર કોઈ કામ કરી રહ્યા નથી. અત્યારે અમે ચંદ્રયાન-૩દ્ગક્ન પ્રોજેકટ પર કામ શરૂ કરી દીધું છે અને આ પ્રોજેકટમાં તનતોડ મહેનત કરી રહ્યા છીએ.

ઈસરો ચીફ સિવને જણાવ્યું કે હાલમાં ગગનયાન મિશન પર કામ ચાલી રહ્યું છે અને તેના માટે પસંદ કરાયેલા ચાર અવકાશ યાત્રીઓને આ મહિનાના અંત સુધીમાં ટ્રેનિંગ માટે રશિયા મોકલવામાં આવશે. ૧૯૮૪માં જયારે રાકેશ શર્મા અવકાશમાં ગયા હતા ત્યારે તેઓ રશિયાના મોડ્યૂલમાં ગયા હતા પરંતુ આ વખતે ભારતીય અવકાશ યાત્રી ભારતીય મોડયૂલમાં અંતરિક્ષમાં જશે અને ભારતમાંથી જ તેની ઉડાન પણ ભરશે.

ગગનયાન મિશન ૨૦૨૨માં અમલમાં મુકાશે જેમાં ચાર ભારતીય અવકાશ યાત્રીઓ અંતરિક્ષમાં જશે. અવકાશમાં મોકલનારા ચારેય અવકાશ યાત્રીઓની પસંદગી પણ કરી લેવામાં આવી છે. ચારેય ભારતીય વાયુસેનાના સભ્યો છે અને આ મહિને જ તેમની ટ્રેનિંગ પણ શરૂ કરી દેવામાં આવશે.

(4:14 pm IST)