Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

ગરીબો - અમીરોને સમાન આરોગ્ય સેવા અપાવવાની સરકારની નેમઃ મનસુખ માંડવિયા સ્વિટ્ઝલેન્ડમાં

વિશ્વ કક્ષાની બેઠકમાં ભારતના કેન્દ્રીયમંત્રીનું ઉદ્બોધનઃ અમેરિકી પ્રમુખ સહિતના મહાનુભાવોની હાજરી

સ્વિટ્ઝલેન્ડના દાવોસ ખાતે યોજાયેલ વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠકમાં ભારતના રાજ્ય કક્ષાના રસાયણ, ખાતર અને વહાણવટા વિભાગના મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ આપેલ હાજરી પ્રસંગની તસ્વીર.

રાજકોટ,તા.૨૨: દાવોસ (સ્વિટ્ઝર્લેન્ડ) ખાતે ચાલી રહેલ ૫૦મી વાર્ષિક 'વર્લ્ડ ઈકોનોમીક ફોરમ'ની બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા કેન્દ્રીય મંત્રી શ્રી પીયુષ ગોયેલ અને શ્રી મનસુખ માંડવિયા દેશનાં ખ્યાતનામ ઉદ્યોગપતિઓને લઈને હાજરી આપી રહેલ છે.

આ પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ દેશનાં રાજનેતાઓ તથા અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે દ્વિપક્ષીય, રાઉન્ડ ટેબલ તેમજ વન-ટુ-વન મીટીંગ કરી તથા ભારત દેશમાં મૂડીરોકાણની તકો અંગે જાણકારી આપી આમંત્રિત કરશે.

આ પ્રવાસ દરમિયાન પ્રથમ દિવસે કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવિયાએ UNAIDS (એચ.આય.વી / એડ્સ પર સંયુકત સંયુકત રાષ્ટ્ર કાર્યક્રમ)ના ઉચ્ચ-સ્તરના રાઉન્ડટેબલમાં મીટીંગમાં હાજરી આપી હતી. UNAIDSનો મુખ્ય ઉદ્દેશ વર્ષ ૨૦૩૦ સુધીમાં વિશ્વને એઇડ્સ મુકત બનાવવાનું લક્ષ્ય હાંસલ કરવા સરકાર અને ખાનગી ક્ષેત્રની વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી કરવાનો છે.

વર્ષ ૨૦૧૫માં, મનસુખ માંડવિયાએ સંયુકત રાષ્ટ્રમાં '૨૦૩૦ ટકાઉ વિકાસ એજન્ડા' પર  સંબોધનમાં હતું કે ભારત સરકાર કેવી રીતે આરોગ્ય ક્ષેત્રે નીતિ પરિવર્તન કરી આગળ વધી રહી છે જેથી દરેકને પોસાય તેવી અને ઉચ્ચ ગુણવત્ત્।ાયુકત આરોગ્ય સુવિધાઓ મળી શકે.

મંત્રીશ્રી  મનસુખ માંડવીયાએ ઉચ્ચ સ્તરીય બેઠકમાં જણાવ્યું હતું કે ભારત સરકાર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ વિવિધ યોજનાઓ દ્વારા સ્વસ્થ ભારતની દ્રષ્ટિ સાકાર કરી રહી છે. તેમણે બે મહત્વની યોજનાઓ – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્માન ભારત), જે વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના છે અને પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના, જે  બધાં લોકોને પોસાય તેવી અને ગુણવત્ત્।ાવાળી દવાઓ મળી રહી તે માટેની યોજના છે; તેનાં વિષે  માહિતી આપી.

એક કલાક લાંબી ચર્ચામાં મંત્રી માંડવિયાએ જણાવ્યું હતું કે, 'આરોગ્ય સુવિધાઓ તમામ માટે સુલભ હોવી જોઈએ, તથા આ ક્ષેત્રે થઈ રહેલા સંશોધનથી નાગરિકોને અમીર-ગરીબનાં ભેદવિના આરોગ્યની સેવાઓ સમાન રીતે ઉપલબ્ધ થાય તે અમારું ધ્યેય છે.'

તારીખ ૨૨ થી ૨૪ જાન્યુઆરી વચ્ચે શ્રી મનસુખભાઈ માંડવિયા કતાર અને બેલ્જીયમના મંત્રીશ્રી તેમજ ઈન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઈઝેશન (IMO)ના સેક્રેટરી જનરલ સાથે દ્વિપક્ષીય મીટિંગ કરશે. તેઓ શ્રી WEFના વિવિધ સત્રનો ભાગ બનશે તેમજ રાઉન્ડ ટેબલ અને વિશ્વની વિવિધ કંપનીના સીઈઓ સાથે દ્વિપક્ષીય મીટિંગનો પણ ભાગ બનશે.

દાવોસમાં થઈ રહેલી આ ધ વર્લ્ડ ઈકોનોમિક ફોરમની વાર્ષિક મીટિંગ ખુબ અગત્યની ફોરમ છે કે જયાં સામેલ થનાર દરેક સ્વસ્થ અને સાનુકુળ વાતાવરણમાં સાથે મળીને વૈશ્વિક એજન્ડાની મહત્વની તકલિફો ઉપર દુનિયાનું ધ્યાન દોરશે.

(11:26 am IST)