Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

સાઉદીના પ્રિન્સ ઉપર વિશ્વના સૌથી શ્રીમંત માણસ એમેઝોનના જેફ બેજોસનો ફોન હેક કરવાનો આરોપ

સાઉદીના ક્રાઉન પ્રિન્સે તેમને એક વિડીયો સંદેશ મોકલ્યો હતો જે પછી તરત જ તેમનો ફોન હેક થઈ ગયો હતો

વોશિંગ્ટન, તા. ૨૨ :. વિશ્વના સૌથી શ્રીમંત માણસ અને એમેઝોનના પ્રમુખ જેફ બેજોસના ફોન હેક કરવાનો મામલો સામે આવ્યો છે. જેનો આરોપ સાઉદી અરેબીયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બીન સલમાન ઉપર લાગ્યો છે. માનવામાં આવે છે કે સાઉદી ક્રાઉન પ્રિન્સે બેજોસને વોટસએપ પર એક વિડીયો મોકલ્યો હતો જે ઓપન કર્યા બાદ જ તેમનો ફોન હેક થઈ ગયો હતો.

જાણવા મળે છે કે એમેઝોનના પ્રમુખ જેફ બેજોસના ફોન હેકીંગનો મામલો ૨૦૧૮નો છે. જ્યારે તેની ફોરેન્સીક તપાસ કરવામાં આવી તો તેમા જણાયુ કે એક સંક્રિમીત વિડીયો સંદેશને કારણે તેમના ફોનમાંથી ડેટાની ચોરી શરૂ થઈ હતી. આ વિડીયો સંદેશ સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બીન સલમાનના પર્સનલ એકાઉન્ટમાંથી વોટસએપ થકી મોકલવામાં આવ્યો હતો. એવો દાવો થયો છે કે બેજોસના ફોનમાંથી ૧ કલાકની અંદર જ મોટા પ્રમાણમાં ડેટાની ચોરી કરી લેવામાં આવી.

ધ ગાર્ડીયનના જણાવ્યા પ્રમાણે એમેઝોનના અબજપતિને મોહમ્મદ બીન સલમાનના ખાનગી ફોન નંબરથી એક કોડવાળી વિડીયો ફાઈલ મળી હતી. કયા પ્રકારનો વિડીયો લેવામાં આવ્યો હતો ? તેની વિગતો મળી નથી.

(10:57 am IST)