Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

ટ્રમ્પની હત્યા કરનારને મળશે ૩૦ લાખ ડોલર

ઈરાનના કાયદાવિદે કરી જાહેરાત

તહેરાન, તા.૨૨: અમેરિકા અને ઇરાન વચ્ચે સંબધો વધુ ખરાબ થઇ રહ્યાં છે. ફરી એક વખત ઇરાનના કાયદાવિદ હમજેઇએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરનારને ૩૦ લાખ ડોલરનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. આ અગાઉ ઇરાનના સર્વોચ્ચ નેતા અલી ખોમેનેઇએ તેહરાનમાં જણાવ્યું હતું કે ટોચના આઇઆરજીસી જનરલ કાસિમ સુલેમાનીની હત્યાથી અમેરિકાના આતંકવાદી સ્વભાવ ખુલ્લો પડી ગયો છે.

જયારથી અમેરિકાએ કાસીમ સુલેમાનીની હત્યા કરી છે ત્યારબાદથી બંને દેશો વચ્ચે તંગદિલી જારી છે. કાસિમ સુલેમાનીના મોત પછી ઇરાને ઇરાકમાં અમેરિકાના સૈન્ય બેઝ પર મિસાઇલથી હુમલો કર્યો હતો. ત્યારબાદ ઇરાનને ડર હતો કે અમેરિકા બદલો લેવા માટે ફરી એક વખત તેના પર હુમલો કરશે. આ જ વાતને ધ્યાનમાં રાખીને તેણે સૈનિકો તૈનાત રાખ્યા હતાં.

યુક્રેનનું યાત્રી વિમાન જયારે ઇરાનના સૈન્ય બેઝ પાસેથી પસાર થયું તો તેણે તેને નિશાન બનાવ્યું હતું. તેમાં ૧૭૬ યાત્રીઓના મોત થયા હતાં. આ ઘટનાની સમગ્ર વિશ્વમાં ટીકા થઇ હતી. ઇરાનના નેતાઓએ જણાવ્યું છે કે અમેરિકા આ હત્યાઓ માટે પણ જવાબદાર છે. જો કે અહમદ હમઝેહે એ જણાવ્યું નથી કે તેણે જાહેર કરેલા ઇનામને ઇરાનની સરકારે મંજૂરી આપી છે કે નહીં. તેમણે જણાવ્યું હતું કે પરમાણુ શસ્ત્રો હોવાને કારણે તેહરાનને ખતરાથી બચાવી શકાશે.

ઉલ્લેખનીય છે કે અમેરિકા દ્વારા સુલેમાનીની હત્યા કરવામાં આવતા જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં અમેરિકા અને ઇરાન વચ્ચે તંગદિલી ખૂબ જ વધી ગઇ હતી. આ દરમિયાન ઇરાકની રાજધાની બગદાદના હાઇ સિકયોરિટી ઝોનમાં અમેરિકાના દૂતાવાસમાં ત્રણ રોકેટ છોડવામાં આવ્યા હતાં.

જો કે આ હુમલામાં જાનમાલનું કોઇ નુકસાન થયું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર રોકેટ છોડવામાં આવ્યા પછી સમગ્ર વિસ્તારમાં સાયરન સાંભળવા મળી હતી. ગ્રીન ઝોન બગદાદમાં છે જયાં સરકારી ઇમારતો અને રાજદ્વારી સુવિધાઓ છે

(10:16 am IST)