Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

પ્રોફિટ બુકિંગ વચ્ચે સેંસેક્સ ૭૬ પોઇન્ટ ઘટીને બંધ થયો

સેંસેક્સ કારોબારના અંતે ૪૦૫૭૫ની સપાટીએ : બીએસઈ મિડકેપ તેમજ સ્મોલકેપ ઇન્ડેક્સમાં પણ ઘટાડો નોંધાયો : બીપીસીએલના શેરમાં પણ છ ટકા સુધી ગાબડુ

મુંબઈ, તા. ૨૧ : શેરબજારમાં આજે વેચવાલીનું મોજુ રહ્યું હતુ.ં કારોબારના અંતે સેંસેક્સ ૭૬ પોઇન્ટ ઘટીને ૪૦૫૭૫ની નીચલી સપાટી પર રહ્યો હતો. તાતા સ્ટીલના શેરમાં ત્રણ ટકાથી વધુનો ઘટાડો રહ્યો હતો. જ્યારે હિન્દુસ્તાન યુનિલીવરમાં એક ટકાથી વધુનો ઉછાળો રહ્યો હતો. એનએસઈમાં નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ૩૧ પોઇન્ટ ઘટીને ૧૧૯૬૮ની નીચી સપાટીએ રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૦.૭૩ ટકાનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૪૭૫૯ રહી હતી. સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૫૭ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૩૩૫૭ રહી હતી. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો મિડિયાના શેરમાં સૌથી વધુ તેજી રહી હતી. રિયાલીટીના કાઉન્ટરોમાં પણ તેજી જામી હતી. નિફ્ટી મિડિયા ઇન્ડેક્સમાં ચાર ટકાથી વધુનો સુધારો રહેતા તેની સપાટી ૧૯૩૯ રહી હતી. બીજી બાજુ મેટલના શેરમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો. નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં બે ટકાથી વધુનો ઘટાડો રહેતા તેની સપાટી ૨૪૭૦ જેટલી રહી હતી.

              ભારતીય પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના શેરમાં છ ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. કેબિનેટ દ્વારા સરકારની હિસ્સેદારી કંપનીમાં વેચવા માટે તૈયારી દર્શાવ્યા બાદ તેના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. શેરમાં આજે તેજી સાથે શરૂઆત થઇ હતી અને એક વખતે બાવન સપ્તાહની ઉંચી સપાટી જોવા મળી હતી. ઝી એન્ટરટેઇનમેન્ટના શેરમાં ૧૯ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર્સના શેરમાં પણ તેજી રહી હતી. આજે કોમોડિટીના ક્ષેત્રમાં તેલ કિંમતોમાં ઘટાડો રહ્યો હતો. બુધવારના દિવસે બે ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો. કેન્દ્ર સ્તર પર એક પછી એક પગલા લેવામાં આવી રહ્યા છે. બીજી બાજુ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયેલા પગલાની અસર પણ જોવા મળી રહી છે. પ્રોત્સાહનજનક સ્થાનિક અને વિદેશી પરિબળો વચ્ચે નવેમ્બરના પ્રથમ અડધા દિવસોના ગાળામાં સ્થાનિક મૂડી માર્કેટમાં વિદેશી મૂડીરોકાણકારોએ ૧૯૨૦૩ કરોડ રૂપિયાથી વધુની રકમ ઠાલવી દીધી હતી. નવેસરના આંકડા દર્શાવે છે કે, વિદેશી મૂડીરોકાણકારોએ પહેલીથી ૧૫મી નવેમ્બર વચ્ચેના ગાળામાં ઇક્વિટીમાં ૧૪૪૩૫.૬ કરોડ રૂપિયા ઠાલવી દીધા હતા જ્યારે ડેબ્ટ માર્કેટમાં ૪૭૬૭.૧૮ કરોડ રૂપિયા ઠાલવી દીધા હતા. આની સાથે જ કુલ નેટ રોકાણનો આંકડો ૧૯૨૦૨.૭ કરોડનો રહ્યો હતો.  આ પહેલા ઓક્ટોબર મહિનામાં એફપીઆઈ દ્વારા ૧૬૪૬૪.૬ કરોડ રૂપિયા રોકવામાં આવ્યા હતા

પ્રોફિટ બુકિંગનો દોર...

*   શેરબજારમાં ફરી એકવાર વેચવાલીથી મંદીનું મોજુ

*   પ્રોફિટ બુકિંગ વચ્ચે સેંસેક્સ ૭૬ પોઇન્ટ ઘટીને ૪૦૫૭૫ની સપાટીએ રહ્યો

*   તાતા સ્ટીલના શેરમાં ત્રણ ટકાથી વધુનો ઘટાડો

*   તાતા સ્ટીલમાં સૌથી વધુ ઘટાડો અને હિન્દુસ્તાન યુનિલીવરમાં એક ટકાનો સૌથી મોટો ઉછાળો

*   મિડકેપ ઇન્ડેક્સમાં ૦.૭૩ ટકાનો ઘટાડો અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૫૭ પોઇન્ટ સુધીનો ઘટાડો

*   સેક્ટરલરીતે જોવામાં આવે તો મિડિયા સ્ટોકમાં સૌથી વધુ તેજીનો માહોલ રહ્યો

*   નિફ્ટી મિડિયા ઇન્ડેક્સમાં ચાર ટકા સુધીનો સુધારો

(7:51 pm IST)