Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

NRC પર ચાલતા વિવાદ વચ્ચે ટીઆરએસના ધારાસભ્ય રમેશ ચેન્નામનેની નાગરિકતા રદ્દ

નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એનઆરસીને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ) નાં ધારાસભ્ય રમેશ ચેન્નામનેની ભારતીય નાગરિકતા રદ્દ કરી હતી

  રમેશ તેલંગાણાની વેમુલવાડા વિધાનસભા બેઠકનાં ધારાસભ્ય છે. ધારાસભ્ય પર આરોપ છે કે 2009 માં જ્યારે તે જર્મન પાસપોર્ટ ધારક હતો ત્યારે ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત કરતી વખતે નિયત માપદંડનું પાલન કર્યુ નહોતુ. એમએચએ દ્વારા જારી કરવામાં આવેલી 13 પાનાની નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ધારાસભ્ય રમેશ ચેન્નામનેની નાગરિકતા અધિનિયમ, 1955 ની કલમ 10 હેઠળ ભારતનાં નાગરિક બની શકતા નથી.

નિયમો અનુસાર, કોઈપણ વ્યક્તિએ ભારતનાં નાગરિકત્વ માટે અરજી કરતા પહેલા સતત એક વર્ષ ભારતમાં રહેવું ફરજિયાત છે. ટીઆરએસ ધારાસભ્ય રમેશ ચેન્નામનેની પર આ નિયમ ભંગ કરવાનો આરોપ છે.  તેલંગાણાનાં ટીઆરએસ ધારાસભ્ય રમેશ ચેન્નામનેનીએ વર્ષ 1993 માં જર્મનીનું નાગરિકત્વ લીધું હતું, પરંતુ વર્ષ 2008 માં તે ભારત પરત આવ્યા અને ભારતીય નાગરિકત્વ માટે અરજી કરી હતી. જે બાદ તેમને ભારતની નાગરિકતા મળી હતી.

વેમુલવાડામાં રહેતા આદિ શ્રીનિવાસે વર્ષ 2009 માં ગ્રહ મંત્રાલય સમક્ષ ટીઆરએસ ધારાસભ્યની ભારતીય નાગરિકતા અંગે પડકાર ફેંક્યો હતો. ફરિયાદી પહેલા ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માં હતા અને હવે કોંગ્રેસ પાર્ટીમાં છે. આ સાથે જ ફરિયાદીએ ગૃહ મંત્રાલયને જણાવ્યું હતું કે ટીઆરએસ ધારાસભ્ય ભારતીય નાગરિક બન્યા પછી પણ જર્મન નાગરિકત્વ જાળવી રાખે છે અને જર્મન પાસપોર્ટ હેઠળ વિદેશ પ્રવાસ ચાલુ રાખ્યુ છે.

(2:13 pm IST)