Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

એરટેલ-વોડાફોન-આઇડીયા,જિયોને ૪૨૦૦૦ કરોડની રાહત

સરકારે ટેલીકોમ કંપનીઓને સ્પેકટ્રમનું ચુકવણુ કરવા માટે બે વર્ષનો સમય આપ્યોઃ આ કંપનીઓ ઉપર ૭ લાખ કરોડથી વધુનો બોજો છેઃ એરટેલ અને વોડાફોન આઇડીયાએ સરકારને વ્યાજ-પેનલ્ટી માફ કરવા કહ્યું હતું

નવી દિલ્હી, તા.૨૧: સરકારે ટેલિકોમ કંપનીઓને મોટી રાહત આપવાની જાહેરાત કરી છે. બુધવારે આર્થિક મામલાની કેબિનેટ કમિટીની મીટિંગમાં દૂરસંચાર કંપનીઓને સ્પેકટ્રમ પેમેન્ટ પર બે વર્ષ માટે છૂટ આપવાનો નિર્ણય કરાયો છે. નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨ના સ્પેકટ્રમ પેમેન્ટમાં છૂટ આપવાથી ભારતી એરટેલ, વોડાફોન, આઈડિયા અને રિલાયન્સ જિયોને ૪૨૦૦૦ કરોડ રૂપિયાની રાહત મળશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે મીટિંગમાં કરેલા નિર્ણયોની જાણકારી આપતા કહ્યું કે, દૂરસંચાર કંપનીઓને થઈ રહેલી પરેશાનીને જોતા કેબિનટએ સ્પેકટ્રમ ઓકશન સાથે જોડાયેલા ઈન્સ્ટોલમેન્ટની ચૂકવણીને બે વર્ષ માટે ટાળવાનો નિર્ણય કર્યો છે. સીતારમણે કહ્યું કે ડેફર્ડ સ્પેકટ્રમ પેમેન્ટના બાકીના હપ્તાને બરાબરમાં વહેંચવામાં આવશે અને હાલના ટાઈમ પીરિયડમાં કોઈ વધારો કરવામાં નહીં આવે. નાણામંત્રીએ કહ્યું કે ટેલિકોમ કંપનીઓને ડેફર્ડ સ્પેકટ્રમ પેમેન્ટ્સ પર નિયત વ્યાજ ચૂકવવાનું રહેશે.

પાછલા મહિને સુપ્રીમ કોર્ટે AGR વિવાદમાં સરકારનો પક્ષ લીધો હતો. SCએકહ્યુ હતું કે તેની ગણતરીમાં ટેલિકોમ કંપનીઓના નોન-કોર રેવન્યૂને પણ શામેલ કરવામાં આવે. તેનાથી જુલાઈ ૨૦૧૯ સુધી લાઈસન્સ ફી, પેનલ્ટી અને વ્યાજ તરીકે કંપનીઓ પર ૯૨,૬૪૨ કરોડનું દેવું વધ્યું હતું. ત્યારે SUCના કારણે ઓકટોબર સુધીમાં કંપનીઓ પર ૫૫,૦૫૪ કરોડનો બોજો વધ્યો હતો. બીએસઈ પર બુધવારે વોડા-આઈડિયાનો શેર ૧૭.૫ ટકા વધીને ૭.૦૭ રૂપિયા પર બંધ થયો, જયારે એરટેલનો શેર ૦.૪૬ ટકાના સામાન્ય દ્યટાડા સાથે ૪૭૩.૨૫ રૂપિયા પર રહ્યો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર ૨.૪૭ ટકા વધીને ૧૫૪૭.૦૫ રૂપિયા પર બંધ થયો.

એરટેલ અને વોડાફોન-આઈડિયાએ સરકારને પેનલ્ટી અને વ્યાજ માફ કરવાની અપીલ કરી હતી અને મૂળ રકમ ચૂકવવા માટે વધારે સમય માગ્યો હતો. તેમનુ કહેવું હતું કે શરૂઆતના બે વર્ષ સુધી ચૂકવણી પર છૂટ આપવામાં આવે. એરટેલ પર જેટલી રકમ બાકી છે, તેમાં દંડ અને વ્યાજની રકમ મળીને મૂળ બાકીની ૭૫ ટકા છે. બંને કંપનીઓએ સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં પ્રોવિજનિંગ (ચૂકવણી માટે પૈસા અલગ રાખ્યા) કર્યું, જેથી વોડા-આઈડિયાને રિકોર્ડ ૫૧,૦૦૦ કરોડ અને એરટેલને ૨૩ હજાર કરોડનું નુકસાન થયું.

દૂરસંચાર કંપનીઓને રાહત આપવાના ઉપાયો પર વિચાર કરવા માટે કેન્દ્રના કેબિનેટ સેક્રેટરી રાજીવ ગાબાની આગેવાનીમાં એક કમિટી બનાવાઈ હતી. ગાબા ઉપરાંત કમિટીમાં ડિપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમિક એફેર્સ, ફાઈનાન્શિયલ અફેર્સ, રેવેન્યૂ, કોર્પોરેટ અફેર્સ, ટેલિકોમ, ITના સેક્રેટરી અને નીતિ આયોગના CEO શામેલ હતા. ટેલિકોમ કંપનીઓ ત્રણ વર્ષથી પ્રાઈઝવોરનો સામનો કરી રહી છે અને તેમના પર સાત લાખ કરોડથી વધારેનો બોજો છે.

(11:25 am IST)