Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

પાક વીમા કંપનીઓનો મુદ્દો સંસદમાં ઉઠાવાયો : ખેડૂતો સાથે ગરબડ: કોલ સેન્ટરમાં કોઈએ ફોન કેમ ના ઉઠાવ્યો

બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલે સંસદમાં સવાલ ઉઠાવ્યા : કંપનીઓના બેજવાબદાર વર્તનના કારણે સર્વેમાં મુશ્કેલી : ખેડૂતોને ભારે નુકશાન

નવી દિલ્હી :  કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનને લઇને રાજ્ય સરકારે 700 કરોડના પેકેજની જાહેરાત કરી છે. પરંતુ પાકવીમા કંપનીઓ પ્રધાનમંત્રી પાકવીમા યોજનાની જોગવાઈઓનું સરેઆમ ઉલ્લંઘન કરી રહી છે. ત્યારે પાક વીમા કંપનીઓનો મુદ્દો બનાસકાંઠાના સાંસદે લોકસભામાં ઉઠાવ્યો હતો.

  પાક વીમાની કંપનીઓ સામે સાંસદ પરબત પટેલે લોકસભામાં સવાલ ઉઠાવ્યા હતા. તેમણે લોકસભામાં સવાલ ઉઠાવ્યો હતો કે, કમોસમી વરસાદથી મગફળી, જુવાર, બાજરા સહિતના તમામ પાકને વ્યાપક નુકસાન થયું છે. ગુજરાત સરકારે તેના સર્વેનો આદેશ પણ આપી દીધો છે. આ યોજના ખુબ સારી છે.

 પરબત પટેલે લોકસભામાં કહ્યું હતું કે, સરકારોનો ઈરાદો સારો પણ વીમા કંપનીઓ બેજવાબદાર છે. કમોસમી વરસાદથી ગુજરાતના ખેડૂતોને નુકસાન થયું છે. પાક વીમા યોજના ખૂબ સારી છે પણ કંપનીઓ બેજવાબદાર છે. કંપનીઓના બેજવાબદાર વર્તનના કારણે સર્વેમાં મુશ્કેલી થઈ છે.

 વધુમાં તેમણે કહ્યું હતું કે, 72 કલાકમાં ખેડૂતોએ ફરિયાદ કરવાની હતી પણ કંપનીઓએ ગરબડ કરી. કોલ સેન્ટર પર કોઈએ ફોન ઉઠાવ્યા નહીં અને ખેડૂતોને મુશ્કેલી થઈ. બેજવાબદાર અધિકારીઓના નંબર આપ્યા તો ખેડૂત ફરિયાદ ક્યાં કરે? સર્વે કરવા કંપનીના માણસો જાય ત્યારે ખેડૂતની ફરિયાદ ધ્યાને લે. ફરિયાદનો સમય 72 કલાક હતો તેના બદલે હજુ ફરિયાદ લેવી જોઈએ.

(12:00 am IST)