Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

રાહુલ ગાંધીનો આત્મવિશ્વાસ છલકયો

સંસદમાં હંગામો છતાં રાહુલની લય તૂટી નહિ : પૂરી તૈયારી સાથે ગૃહમાં આવ્યા હતા : પોતાને વટથી શિવભકત ગણાવ્યા

નવી દિલ્હી, તા. ર૧ :  લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચા દરમ્યાન કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ બોલતા સરકાર પર સીધો હુમલો કરતા કહ્યું કે, સરકાર પોતાના વાયદાઓ પૂરા કરવામાં નિષ્ફળ રહી છે. તેમણે રાફેલ વિમાન સોદો, ખેડૂતોની સ્થિતિ, બેરોજગારી અને મહિલા સુરક્ષા મુદ્દે સીધા વડાપ્રધાનને કઠેડામાં લાવવાની કોશિષ કરી હતી.

રાહુલે કહ્યું કે, આખો વિરોધ પક્ષ અને સત્તાધારી પક્ષના કેટલાય લોકો મળીને સરકારને હરાવશે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી શબ્દનો અર્થ હોવો જોઇએ. પણ સરકાર પોતાના વાયદા પૂરા કરવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ ગઇ છે. કોંગ્રેસ પ્રમુખે રાફેલ વિમાન સોદા પર પ્રશ્ન કરતા કહ્યું કે, યુપીએ સરકારે પર૦ કરોડ રૂપિયામાં એક વિમાનનો સોદો કર્યો હતો, પણ એનડીએના સમયગાળામાં વિમાનની કિંમત ૧૬૦૦ કરોડ રૂપિયે પહોંચી ગઇ. ત્યાં સુધી કે આ વિમાનો એસેમ્બલ કરવાની જવાબદારી હિન્દુસ્તાન એરોનોટીકસના બદલે ખાનગી કંપનીઓને આપી દેવાઇ.

પોતાના ભાષણ દરમ્યાન રાહુલે કોંગ્રેસ પર મુસ્લિમ પક્ષ હોવાના કરાયેલા આરોપોને ધોવાની કોશિષ કરી હતી. પહેલીવાર જાહેરમાં પોતાને શિવભકત હોવાનો ખુલાસો કરતા તેમણે પોતાને અસીલ હિંદુ સાબિત કરવાની પણ કોશિષો કરી હતી. એટલે જ તે એવું કહેવાનું ન ચૂકયા કે ભાજપા માટે તે પપ્પુ છે પણ પોતે તેનાથી નારાજ નથી. હિન્દુ હોવાનો મતલબ જ આ છે.

કોંગ્રેસ અધ્યક્ષના ભાષણથી સ્પષ્ટ રીતે જાહેર થયું કે તેમનો આત્મવિશ્વાસ વધી રહ્યો છે એટલે જ વડાપ્રધાનની હાજરીમાં જ તેમના પર સીધો હુમલો કર્યો. તેમણે પોતાના દ્વારા લોકો ખાસ કરીને પક્ષમાં આશા જગાડી છે. ભાષણ દરમ્યાન રાહુલે એવો સંકેત આપવાની કોશિષ કરી કે તે લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મુકાબલો કરી શકે છે. ભાજપા અને તેના ટેકેદારો કહી રહ્યા છે કે રાહુલ આગામી ચૂંટણીમાં મોદીનો મુકાબલો નહીં કરી શકે.

આખા ભાષણ દરમ્યાન રાહુલની બોડી લેંગ્વેજથી દેખાતું હતું કે તે પૂરી તૈયારી કરીને આવ્યા છે એટલે સત્તા પક્ષના હંગામા છતાં તેઓ પોતાની લય ચૂકયા નહોતા. તેમણે બેરોજગારી, દલિત, લઘુઉદ્યોગ અને મહીલાઓ સાથે જોડાયેલા મુદ્દાઓ ઉઠાવીને એક મોટા વર્ગને સંબોધીત કરવાની કોશિષ કરી હતી. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ આ વર્ગો પર ખાસ ધ્યાન આપશે. આ સાથે ભ્રષ્ટાચાર મુદ્દે પણ સીધો હુમલો કર્યો હતો.  ભાષણના અંતે પોતાની સીટ પરથી ઉઠીને વડાપ્રધાનને ભેટીને પોતાનો સંદેશ આપવામાં સફળ રહ્યા. મોદી સાથે તેમનો વૈચારિક મતભેદ છે. વ્યકિતગત નહિં સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપીંગ સોસાયટીના નિર્દેશક સંજયકુમાર કહે છે કે રાહુલ એક પરિપકવને નેતા તરીકે પોતાની છબી ઉપસાવવામાં સફળ રહ્યા છે. તેમણે કહ્યું કે, રાહુલના ભાષણમાં મુદ્દા અને શૈલી બન્ને હતાં. વડાપ્રધાનને ભેટવામાં તેમની નમ્રતા દેખાય છે.

(3:46 pm IST)