Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

કર્મીને મહિને બે વાર પગાર આપવા રિલાયન્સની તૈયારી

૩૦૦૦૦થી ઓછો પગાર મેળવનારને ફાયદો : રિલાયન્સ દ્વારા કટોકટીના સમયમાં મોટી જાહેરાત થઈ

નવી દિલ્હી, તા. ૨૫ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ કેટલીક મોટી જાહેરાતો કરી દીધી છે જેમાં એક તેના કર્મચારીઓ સાથે સંબંધિત છે. જેમના પગાર ૩૦૦૦૦ રૂપિયાથી ઓછા છે તે સંદર્ભમાં આરઆઈએલે કહ્યું છે કે, ૩૦૦૦૦ રૂપિયાથી ઓછા વેતન મેળવનાર કર્મચારીઓને મહિને બે વખત વેતન ચુકવવામાં આવશે. ઓછા પગારદારના કેશફ્લોને બચાવવા અને કોઇ ફાઈનાન્સિયલ બોજને ઘટાડવાના હેતુસર આ નિર્ણય કરવામાં આવ્યો છે. લોકડાઉનના પરિણામ સ્વરુપે જે લોકો કોન્ટ્રાક્ટ પર કામ કરી રહ્યા છે અને હાલમાં કર્મચારી કામ પર આવી રહ્યા નથી તેમના પગાર પણ જારી રાખવામાં આવશે. કોરોનાના વધતા જતાં મામલા વચ્ચે દેશભરમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આને ધ્યાનમાં લઇને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ મોટા એલાન કરી દીધા છે. આના ભાગરુપે કર્મચારીઓને ફાયદો થશે. આરઆઈએલ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ૩૦૦૦૦ રૂપિયાથી ઓછા પગાર મેળવનાર કર્મચારીઓને મહિનામાં બે વખત પગાર આપવામાં આવશે.

             કંપનીએ નિવેદન જારી કરીને કહ્યું છે કે, કેશ ફ્લોને બચાવવાની પહેલ થઇ રહી છે. જાણકાર લોકોનું કહેવું છે કે, રિલાયન્સની આ જાહેરાતના પગલે અન્ય કંપનીઓ પણ મેદાનમાં આવી શકે છે. કેટલીક કંપનીઓ પહેલાથી જ જાહેરાત કરી ચુકી છે. આવનાર દિવસોમાં વધુને વધુ કંપનીઓ પહેલ કરી શકે છે. જુદી જુદી રાજ્ય સરકારો દ્વારા પણ જાહેરાતો કરવામાં આવી રહી છે. રિલાયન્સની આ જાહેરાત બાદ મહાકાય કંપનીઓ પેકેજ તૈયાર કરી રહી છે અને પોતાના કર્મચારીઓ માટે એક બે દિવસમાં જ મોટી જાહેરાત કરે તેવી શક્યતા દેખાઈ રહી છે. રિલાયન્સની જાહેરાતનું કર્મીઓ દ્વારા સ્વાગત કરાયું છે.

(8:02 pm IST)