Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

કોરોના વિરૂદ્ધ લડવા ૧.૫ લાખ કરોડનું પેકેજ તૈયાર

તૈયાર પેકેજના સંદર્ભમાં ટૂંકમાં જ જાહેરાત થશે : કોરોનાના ફેલાતા ફેલાવાને લઇને પેકેડને આખરી ઓપ

નવીદિલ્હી, તા. ૨૫ : દિનપ્રતિદિન વધુને વધુ ખતરનાક બની રહેલા કોરોના વાયરસ સામે લડવા માટે પેકેજની તૈયારી ભારત સરકારે પણ કરી લીધી છે. કોરોના વાયરસથી બચવા માટે ૧૩૦ કરોડથી વધુ ભારતીયો લોકડાઉનની સ્થિતિમાં છે ત્યારે રાહત આપવાના હેતુસર ટૂંકમાં જ ૧.૫ લાખ કરોડ અથવા તો ૧૯.૬ અબજ ડોલરના પેકેજની જાહેરાત કરવામાં આવશે. જાણકાર લોકોનું કહેવું છે કે, પેકેજને તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. પેકેજની માંગ પણ ઉઠી રહી છે. સરકારે હજુ સુધી પેકેજને આખરી  ઓપ આપવાની પ્રક્રિયા પૂર્ણ કરી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, નાણામંત્રાલય અને રિઝર્વ બેંક વચ્ચે વાતચીત ચાલી રહી છે. નામ જાહેર નહીં કરવાની શરતે સુત્રોએ કહ્યું છે કે, ચર્ચા હજુ ચાલી રહી છે. વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું છે કે, સ્ટીમ્યુલસ પ્લાન ૨.૩ લાખ કરોડની આસપાસનો હોઈ શકે છે. જો કે, અંતિમ આંકડો નક્કી થયા બાદ જ જાણી શકાશે. સપ્તાહના અંત સુધી પેકેજની જાહેરાત કરવામાં આવી શકે છે.

             ૧૦૦ મિલિયન ગરીબ લોકોના ખાતામાં સીધીરીતે નાણાં પહોંચાડવા માટે આ પેકેજમાં રહેલી રકમનો ઉપયોગ કરવામાં આવશે. સાથે સાથે લોકડાઉનના કારણે મુશ્કેલીમાં મુકાયેલા બિઝનેસને ટેકો આપવામાં આવશે. આજે ૧૩૦ કરોડ લોકો લોકડાઉનની સ્થિતિમાં આવી ગયા હતા. કોરોના વાયરસ સામે લડવા સૌથી મહત્વકાંક્ષી પહેલ ભારતમાં કરવામાં આવી છે. કોરોના વાયરસના ભારતમાં હજુ સુધી ૫૬૨થી વધુ કેસો નોંધાયા છે. સરકાર દ્વારા ૨૦૨૦-૨૧ના નાણાંકીય વર્ષ માટે લોન પ્લાનને પણ વધારવાની તૈયારી કરી લેવામાં આવી છે. સુત્રોએ કહ્યું છે કે, સરકારી સિક્યુરિટી પૈકી કેટલી ખરીદી લેવા રિઝર્વ બેંકને સરકારે અપીલ કરી છે. આરબીઆઈ દ્વારા વિશ્વમાં અન્ય રિઝર્વ બેંકની જેમ જ બોન્ડ ખરીદે છે. કોરોના સામે લડવા તમામ પ્રયાસો ચાલી રહ્યા છે. નાણામંત્રાલય દ્વારા પ્લાનના સંદર્ભમાં વિગતો આપવાનો ઇન્કાર કરાયો છે. મંગળવારના દિવસે પણ નાણામંત્રીએ કહ્યું હતું કે, પેકેજ ઉપર જોરદારરીતે વાતચીત ચાલી રહી છે. ટૂંકમાં જ આની જાહેરાત કરાશે.

(7:57 pm IST)