Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

જંગ જીતી રહ્યું છે ભારત

આનંદો... કોરોનાના નવા કેસમાં ઘટાડો

સોમવારે નવા કેસ હતા ૯૯ તો મંગળવારે ઘટીને ૬૪ થયા : ૪૮ને હોસ્પિટલમાંથી રજા

નવી દિલ્હી તા. ૨૫ : કોરોના વાયરસ સામે અત્યાર સુધીમાં દેશમાં ૧૨ લોકોના મોત થઈ ગયા છે. મુંબઈમાં કોરોનાથી ત્રીજુ જયારે દિલ્હીમાં બીજુ મોત થયું છે. આમ છતાં મંગળવારે કોરોના વાયરસ પર ભારતની અપડેટ્સ પર નજર કરીએ તો પોઝિટિવ કેસ ઘણાં ઓછા નોંધાયા. સોમવારે ૯૯ નવા કેસ નોંધાયા હતા, જેની સામે મંગળવારે ૬૪ કેસ નોંધાયા હતા. એટલે કે નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જે ભારત માટે સુખદ ખબર કહી શકાય છે.

આ સાથે રાહતની ખબર એ પણ છે કે અત્યાર સુધીમાં ઉપચાર બાદ ૪૮ કોરોના ગ્રસ્ત દર્દીઓને હોસ્પિટલમાંથી સ્વસ્થ્ય થયા બાદ રજા આપવામાં આવી છે. સોમવાર સુધીમાં તેમની સંખ્યા ૩૫ હતી, જેમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. કોરોના ફ્રી થનારા મહારાષ્ટ્રના ૮ દર્દીઓનો સમાવેશ થાય છે. સ્વાસ્થ્ય મંત્રાલયે દિલ્હીમાં એક મોત નોંધાયું હોવાનું જણાવ્યું જયારે રાજય સરકારે આ અંગે જાણકારી આપવાનો ઈનકાર કર્યો. સૂત્રોએ જણાવ્યું કે મંગળવારે રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એક દર્દીને શ્વાસની તકલીફ થઈ અને હૃદય સંબંધિત બીમારીથી મોત થઈ ગયું.

બીજી તરફ મુંબઈ મહાનગર પાલિકાએ જણાવ્યું કે મુંબઈના રહેવાસી વ્યકિત હતા જેઓ ૧૫ માર્ચે અમદાવાદમાં એક હોસ્પિટલમાં હતા અને પીઠ દર્દની ફરિયાદ કરી હતી અને પછી તેઓ મુંબઈ આવી ગયા હતા.

આ બધાની વચ્ચે સંકેત મળ્યા છે કે વાયરસ પૂર્વોત્તરમાં પણ ફેલાયો છે. મણિપુરમાં એક ૨૩ વર્ષની છોકરી છે જે યુકેથી પાછી ફરી છે, શરુઆતની તપાસ સકારાત્મક જોવા મળી છે. જોકે, તેના રિપોર્ટ્સ હજુ આવવાના બાકી છે. જો તેનો કેસ પોઝિટિવ બન્યો તો પૂર્વોત્તરમાં કોરોના વાયરસનો પહેલો કેસ નોંધાશે.

મહત્વનું છે કે કોરોનાને હરાવવા માટે સમગ્ર ભારત દેશ લોકડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ દરમિયાન સરકાર દ્વારા નાગરિકોને કોઈ સમસ્યા ના નડે તે માટે પગલા ભર્યા હોવાનું વડાપ્રધાન મોદીએ જણાવ્યું છે. આ સાથે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોઈ વસ્તુની અછત સરકાર સર્જવા નહીં દે તેની હું ખાતરી આપું છું.

(11:24 am IST)