Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

લોકડાઉનમાં દિલ્હીની કેજરીવાલ સરકાર મજૂરોને આપશે ૫૦૦૦ રૂપિયા

નવી દિલ્હી તા. ૨૫ : કોરોના વાયરસને કારણે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર જરૂરી કાર્યવાહી કરી રહી છે. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સરકારે લોકડાઉનની જાહેરાત કરી છે. આ વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે નિર્માણ કાર્યમાં કામ કરતા મજૂરો માટે મહત્વની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે કોરોના વાયરસને કારણે નિર્માણ કાર્યમાં મજૂરી કરતા મજૂરોને રોજગારીના પ્રશ્નો થઈ રહ્યા છે. આ સ્થિતિમાં દિલ્હી સરકાર પ્રત્યેક મજૂરને પાંચ-પાંચ હજાર રૂપિયા આપશે.

એક અધિકારી જણાવ્યું છે કે દિલ્હી સરકારના નિર્ણયથી નિર્માણ મજૂર કલ્યાણ બોર્ડ ફંડમાં રજિસ્ટર લગભગ ૪૬ હજાર મજૂરોને ફાયદો થશે. કેજરીવાલ સરકારે મંગળવારે સાંજે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે દિલ્હીમાં છેલ્લા ૪૦ કલાકમાં કોરોના વાયરસનો કોઈ નવો કેસ સામે આવ્યો નથી. વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ૩૦માંથી ઘટીને ૨૩ થઈ ગઈ છે. કેજરીવાલે કહ્યું કે આ સારા સમાચાર છે કે કેટલાક દર્દીઓ સ્વસ્થ થઈ ગયા પરંતુ તેમણે સાવધાની રાખવાની જરૂર છે.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે દિલ્હીમાં કોરોના વાયરસ ત્રીજા તબક્કામાં પહોંચે તો તેવી સ્થિતિમાં કેવી રીતે તેની સામે લડી શકાય તે માટે પાંચ ડોકટરોની એક ટીમની રચના કરવામાં આવી છે જેઓ આગામી ૨૪ કલાકમાં પોતાનો રિપોર્ટ સોંપશે.

(11:17 am IST)