Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

હવે ૧૪ એપ્રિલ સુધી નહીં ચાલે પેસેન્જર ટ્રેન : માલગાડી ચાલુ

રેલવેના આ નિર્ણયથી આશરે ૧૨ હજાર ૫૦૦ ટ્રેનનું સંચાલન ઠપ

નવી દિલ્હી તા. ૨૫ : કોરોના વાયરસના વધતા પ્રકોપને જોતા રેલવેએ મંગળવારે જાહેરાત કરી છે કે તેની મેલ, એકસપ્રેસ તથા પેસેન્જર સેવા ૧૪ એપ્રિલ સુધી બંધ રહેશે. દેશભરમાં કોરોના વાયરસના વધતા કેસ પર અંકુશ લાવવા માટે વડાપ્રધાન મોદી દ્વારા ૨૧ દિવસનું દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કર્યા પછી રેલવેનું આ પગલું સામે આવ્યું છે. અધિકારીઓએ કહ્યું છે કે આ દરમિયાન માલગાડીની સેવાઓ ચાલુ રહેશે.

રેલવેએ ૩૧ માર્ચ સુધી માલગાડી સિવાય દરેક પેસેન્જર અને મેલ એકસપ્રેસને બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. રેલવેના આ નિર્ણયથી આશરે ૧૨ હજાર ૫૦૦ ટ્રેનનું સંચાલન ઠપ થઈ જશે. આ ઉપરાંત ૫૦૦ સબ અર્બન ટ્રેનના સંચાલનને પણ રોકવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી પહેલાથી જ કમાણી બાબતે ઝઝૂમી રહેલી રેલવેને ગંભીર નુકસાન ઉઠાવવું પડશે.

રેલવેએ રવિવારે જાહેરાત કરી હતી કે ૨૨ માર્ચથી ૩૧ માર્ચ સુધી તેની દરેક મુસાફર સેવાઓ બંધ રહેશે અને માત્ર માલગાડીઓ જ ચાલશે. આ પ્રતિબંધમાં દરેક ઉપનગરની ટ્રેન સેવાઓનો પણ સમાવેશ થાય છે. આ દરમિયાન, ભારતીય રેલવે ખાનપાન અને પર્યટન નિગમ (IRCTC)એ લોકોને કહ્યું છે કે તે ટ્રેનની ઓનલાઈન બુક કરવામાં આવેલી ટિકિટો રદ ન કરે. તેમને રિફંડ મળી જશે.

ભારતીય રેલવેએ મંગળવારે કહ્યું કે કોરોના વાયરસના સંક્રમણના કારણે દરેક યાત્રી સેવાઓ રદ કરવામાં આવી છે પરંતુ તે દેશમાં જીવન જરુરિયાતની વસ્તુઓ સુનિશ્ચિત કરી રહ્યું છે. રેલવેએ જણાવ્યું કે ૨૩ માર્ચના રોજ અનાજ, મીઠું, ખાદ્ય તેલ, ખાંડ, દૂધ, ફળ અને શાકભાજી, ડુંગળી, કોલસો અને પેટ્રોલિયમ ઉત્પાદનોના ૪૭૪ રેક તૈયાર કરવામાં આવ્યાં છે.

રેલવે બોર્ડે કોરોના વાયરસ સામે લડાઈમાં યોગદાન માટે પોતાના દરેક એકમોને નિર્દેશ જાહેર કરીને હોસ્પિટલના સામાન્ય પથારીઓ, મેડિકલ ટ્રોલી અને અન્ય સુવિધાઓ તથા આઈવી સ્ટેન્ડ જેવી વસ્તુઓના નિર્માણની શકયતાઓ ચકાસવાનું પણ કહ્યું છે.

(11:13 am IST)