Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

વિશ્વભરના ૨૩૦ કરોડથી વધુ લોકો ઘરોમાં લોકડાઉન

કોરોના વાયરસના આતંક સામે વિશ્વભરના ૫૦ દેશોમાં લોકડાઉન છેઃ ૧૦ દેશોમાં કર્ફયુઃ ૩૫ દેશોમાં અનિવાર્ય લોકડાઉન જાહેરઃ ઈરાન-બ્રિટનમાં લોકોને ઘરમાં રહેવા અપીલઃ ભારતની ૧૩૦ કરોડની વસ્તી ગઈકાલ રાતથી ઘરોમાં કેદઃ બહાર નિકળ્યા તો ફસાયા સમજોઃ કડક કાર્યવાહી થશેઃ આવશ્યક સેવાઓ જ ચાલુઃ બાકી બધુ બંધ

નવી દિલ્હી, તા. ૨૫ :. કોરોના વાયરસને કારણે વિશ્વભરના ૫૦થી વધુ દેશોએ લોકડાઉન જાહેર કરેલ છે. આના કારણે લગભગ ૨૩૦ કરોડ લોકો પોતપોતાના ઘરોમાં કેદ થઈ ગયેલા છે. જેમા એકલા ભારતમાં જ ૧૩૦ કરોડ લોકો ગઈકાલે રાત્રે ૧૨ વાગ્યાથી પોતપોતાના ઘરોમાં પુરાઈ ગયા છે. પીએમ મોદીએ ગઈકાલે ભારતમાં ૨૧ દિવસના અનિવાર્ય લોકડાઉનનુ એલાન કર્યુ હતુ અને કહ્યુ હતુ કે આને લોકો કર્ફયુ જ ગણે. લોકડાઉન જાહેર કરનારા અનેક દેશોએ આને અનિવાર્ય કરેલ છે તો કેટલાકે આને કડકાઈથી લાગુ નથી કર્યુ. ફકત લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરાય છે.

લગભગ ૧૯૫.૯ કરોડની વસ્તીવાળા ૩૫ દેશોએ અનિવાર્ય લોકડાઉન કર્યુ છે. અનિવાર્ય લોકડાઉનનો અર્થ છે કે જરૂર વગર ઘરની બહાર નિકળવાની સ્પષ્ટ મનાઈ અને આવુ કરનારા સામે કડકાઈથી કામ લેવામાં આવશે અને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આ દેશોમાં ૧૩૦ કરોડની વસ્તીવાળુ ભારત સૌથી મોટુ છે. આ સિવાય ફ્રાન્સ, ઈટાલી, આર્જેન્ટીના, ઈરાક, ગ્રીસ, રૂવાન્ડા અને અમેરિકાનું કેલીફોર્નિયા રાજ્ય છે. ગઈકાલે કોલંબીયાને પણ આ લીસ્ટમાં સામેલ કરવામાં આવેલ છે. ન્યુઝીલેન્ડ આજથી લોકડાઉન થયુ છે. મોટાભાગના દેશોમાં જરૂરી કામ પર જવા કે મેડીકલ સુવિધા માટે જવાની છૂટ છે.

લગભગ ૫ દેશો (૨૨.૮ કરોડની વસ્તી) એ પોતાના લોકોને અપીલ કરી છે કે ઘર પર જ રહે અને ઓછામાં ઓછા લોકોના સંપર્કમાં આવે. આ દેશોમાં ઈરાન, જર્મની અને બ્રિટન સામેલ છે. બ્રિટનમાં દરીયા કિનારે અને બાગોમાં ભીડ જમા થયા બાદ કડકાઈ વર્તવાની ચેતવણી આપવામાં આવી છે. ઈરાનમાં ગયા સપ્તાહે લાખો લોકો રસ્તા પર નિકળ્યા હતા તે પછી લોકોને ઘરમાં રહેવા જણાવાયુ છે.

લગભગ ૧૦ દેશ એવા છે જ્યાં કર્ફયુ છે. જેમાં બર્કીના ફાસો, ચીલી, ફીલીપીન્સ, મોરીટાન્યા અને સાઉદી અરેબીયા છે આ દેશોની વસ્તી ૧૧.૭ કરોડ છે. આ સિવાય એવા કેટલાક દેશો છે જેમણે કેટલાક શહેરોને આઈસોલેટ કર્યા છે. આવા દેશોની વસ્તી લગભગ ૧ કરોડ છે.

(11:08 am IST)