Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

રાજકુમારના પુત્રએ પૂર્વજોનો મહેલ ૮૭ રૂપિયામાં વેચ્યો

બર્લિનના રાજકુમારના પુત્રના વિચિત્ર પગલાંની ઘટના : ૧૩૫ રૂમ ધરાવતા મહેલને બચાવવા હનોવરના ૬૬ વર્ષના રાજકુમાર તેમના ૩૭ વર્ષના પુત્ર સામે કોર્ટમાં

નવી દિલ્હી, તા.૨૦ : બર્લિનમાં એક રાજકુમારના દીકરાએ ૧૩૫ રૂ ધરાવતો પૂર્વજોનો મહેલ માત્ર ૮૭ રૂપિયામાં વેચી દીધો છે. સમાચાર વાંચીને તમને આશ્ચર્ય જરૂર થશે પરંતુ તે સાચા છે. હવે મહેલને બચાવવા માટે ૬૬ વર્ષના રાજકુમાર પોતાના ૩૭ વર્ષના દીકરા સામે કોર્ટમાં પહોંચ્યા છે.

હકીકતે, જર્મન શહેર હનોવરના રાજકુમાર અર્નસ્ટ ઑગષ્ટે પોતાનો ૧૩૫ રૂ ધરાવતો મૈરીનબર્ગ મહેલ ૨૦૦૦ના વર્ષમાં પોતાના દીકરા અર્નસ્ટ ઑગષ્ટ જુનિયરને સોંપી દીધો હતો. ઑગષ્ટ જુનિયરે ૨૦૧૮ના વર્ષમાં મૈરીનબર્ગ મહેલ ડિસ્કાઉન્ટેડ રેટમાં સરકારને વેચવાની ઘોષણા કરી દીધી હતી.

ત્યાર બાદ અર્નસ્ટ ઑગષ્ટ જુનિયરે માત્ર એક યૂરો (આશરે ૮૭ રૂપિયા)માં તે મહેલને વેચી દીધો હતો. ઑગષ્ટ જુનિયરના તર્ક પ્રમાણે મહેલના સમારકામ માટે ૨૩ મિલિયન પાઉન્ડની જરૂર હતી જે તેમના પાસે નહોતા. દીકરાના નિર્ણય બાદ મહેલને બચાવવા માટે રાજકુમાર અર્નસ્ટ ઑગષ્ટે કાયદાનો સહારો લીધો છે અને પોતાના દીકરા વિરૂદ્ધ કેસ કર્યો છે. તેમણે પોતાના દીકરા વિરૂદ્ધ અનેક ગંભીર આરોપો લગાવ્યા છે અને મહેલ પાછો મેળવવાની માંગણી કરી છે.

મૈરીનબર્ગ મહેલનું નિર્માણ ૧૮૬૭ના વર્ષમાં થયું હતું અને રાજકુમારે ૨૦૦૦ના વર્ષમાં તે પોતાના દીકરાને સોંપી દીધો હતો. રાજકુમારના કહેવા પ્રમાણે તેમના દીકરાએ તેમની જાણબહાર સોદો કરીને તેમને દગો આપ્યો છે. તેમણે પોતાના દીકરા પર અધિકારો અને હિતોના ઉલ્લંઘનનો આરોપ મુક્યો છે.

રાજકુમારના કહેવા પ્રમાણે દીકરાની હરકતના કારણે પોતે ઑસ્ટ્રિયાની એક લૉજમાં રહેવા મજબૂર બન્યા છે અને બીમાર હોવા છતા આર્થિક મદદથી વંચિત છે. રાજકુમાર અર્નસ્ટ ઑગષ્ટ નોવર રાજવંશ સાથે સંબંધ ધરાવે છે અને તેઓ બ્રિટનની મહારાણી એલિઝાબેથના દૂરના પિતરાઈ ભાઈ છે.

(7:38 pm IST)