Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

કાશ્મીરમાં રેલ્વે સેવાઓ થશે થોડા દિવસમાં શરૂ

૩૭૦ હટાવ્યા પછી ૨ મહિનાથી બંધ સ્ટેશનો ધમધમશે

નવી દિલ્હી તા.૧૯: પ ઓગષ્ટે કાશ્મીરને ખાસ દરજજો અપાતી કલમ ૩૭૦ હટાવ્યા પછી ૨ મહિનાથી બંધ કરાયેલી રેલ સેવાઓ ટુંક સમયમાં શરૂ થશે. એવુ એક સીનીયર અધિકારીએ કહ્યુ હતુ.

રેલવે સુરક્ષા દળ (આરપીએફ)ના વડા અરૂણકુમારે કહ્યુ હતુ કે ઓગષ્ટથી બધી ટ્રેન સેવાઓ રદ કરાઇ હતી. અને કોઇ ટ્રેન ચાલુ નહોતી . થોડા સમયમાં એટલે કે લગભગ અઠવાડીયામાં બારામુલ્લા (કાશ્મીર) અને બનીહાલ (જમ્મુ) વચ્ચે ટ્રેન સેવાઓ શરૂ થવાની આશા છે. બનીહાલથી કતરા વચ્ચેની રેલ્વે લાઇન પણ ચિનાબ પુલનુ કામ પુરૂ થઇ જશે એટલે તૈયાર થઇ જશે.

રેલ્વે મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ અનુસાર ઓગષ્ટથી રદ કરાયેલી ટ્રેનોના કારણે રેલ્વેને આવકમાં ઘણુ નુકશાન થયુ છે. ફિરોઝપુરના ડીવીઝનલ રેલવે મેનેજર રાજીવ અગ્રવાલે કહ્યુ કે કલમ ૩૭૦ હટયાના શરૂઆતના દિવસોમાં અમે લગભગ ૬૦,૦૦૦ લોકોને કાશ્મીરમાંથી બહાર કાઢ્યા હતા. જેમા મોટા ભાગે જમ્મુ,  શ્રીનગર અને ઉધમપુરની નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીના વિદ્યાર્થીઓ હતા. ત્યારે લોકો કાશ્મીરમાંથી કતરા બસ દ્વારા આવતા હતા. અને ત્યાંથી દેશના બીજા ભાગોમાં રેલવે દ્વારા જતા હતા. અમને એકવાર કલીયરન્સ મળી જાય એટલે અમે રેલ સેવાઓ પુનઃ સ્થાપીત કરવા તૈયાર છીએ.

રેલવેએ જાહેરાત કરી છે કે તે કમાન્ડો ફોર રેલ્વે સીકયુરીટી (સીઓઆરએએસ)ને સંેવેદનશીલ સ્ટેશનો પર તહેનાત કરશે. દિલ્હી - કતરા ના ૬૫૪કીમીના વંદે ભારત એકસપ્રેસના આ રૂટમાં જમ્મુ, પઠાણકોટ જેવા સંવેદનશીલ સ્ટેશનો સામેલ છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતશાહે ૩ ઓકટોબરે આ સેમીહાઇ સ્પીડ વંદે ભારત એકસપ્રેસને લીલીઝંડી બતાવીને આ ટ્રેનની શરૂઆત કરી હતી.  આ  ટ્રેનના કારણે દિલ્હીથી કતરાની મુસાફરીનો સમય ૧૨ કલાકથી ઘટીને ૮ કલાક થઇ ગયો છે.

(3:31 pm IST)