Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

GST રિટર્ન ફાઈલ કરવાના છેલ્લા દિવસોમાં પોર્ટલમાં ધાંધિયા :બે દિવસથી સર્વર ડાઉન :વેપારીઓ પરેશાન

હજારો વેપારીઓ પોતાના GSTR- 3B રિટર્ન ફાઈલ કરવાથી વંચિત રહયા

નવી દિલ્હી : ગુડ્ઝ એન્ડ ર્સિવસ ટેક્સમાં છેલ્લાં બે દિવસથી સર્વર ડાઉન થઈ જવાને કારણે વેપારીઓના ક્વાર્ટરલી અને મંથલી રિટર્ન ફાઈલ થઈ શકતા નથી. CMP - 08 રિટર્ન ફાઈલ કરવા માટેનો છેલ્લો દિવસ તા. 20 ઓક્ટોબર છે, અને GSTR- 3B રિટર્ન ફાઈલ કરવા માટેનો છેલ્લો દિવસ તા.18 ઓક્ટોબર છે .આમ, GSTR- 3B રિટર્ન ફાઈલ કરવાના છેલ્લા દિવસે એટલે કે, શુક્રવારે પણ GST પોર્ટલ ઠપ્પ રહેવાને કારણે હજારો વેપારીઓ પોતાના GSTR- 3B રિટર્ન ફાઈલ કરી શક્યા નહોતા.

આ પ્રકારે આગામી દિવસોમાં પોર્ટલ ઠપ્પ રહે તો વેપારીઓને ક્વાર્ટરલી ભરવા માટેનું CMP રિટર્ન ફાઈલ કરવામાં મુશ્કેલી પડે તેવી શક્યતા છે. આમ, રિટર્ન ફાઈલ કરવાના છેલ્લા દિવસોમાં પોર્ટલના ધાંધિયાને કારણે વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતને ધ્યાનમાં લઈને રિટર્ન ફાઈલિંગની મુદત વધારવા માટે GST સત્તાવાળાઓ સમક્ષ મૌખિક રજૂઆત કરાઈ છે. GSTમાં વેપારીઓએ દર ત્રણ મહિને કોમ્પોઝિશન ડીલિંગની વિગતો દર્શાવવા માટે CMP - 08 રિટર્ન ફાઈલ કરવાનું રહે છે અને દર મહિનાના ખરીદ-વેચાણના વ્યવહારોની વિગતો દર્શાવવા માટે GSTR- 3B રજૂ કરવાનું હોય છે.

આમ, ટેકનિકલ કારણોસર વેપારીઓ રિટર્ન ફાઈલ કરી શકતા નથી. જો વેપારીઓ નિયત સમયગાળામાં રિટર્ન ફાઈલ ન કરે તો તેમને દરરોજ SGSTનો રૂ. 25 અને CGSTનો રૂ. 25 એમ કુલ રૂ. 50ની પેનલ્ટી ભરવાનો અને વ્યાજ ભરવાનો વારો એવી શક્યતા છે. આમ, ટેકનિકલ કારણોસર રિટર્ન ફાઈલ ન કરી શકવા બદલ વેપારીઓને વ્યાજ અને પેનલ્ટી ન ભરવી પડે તે હેતુસર CMP - 08 અને GSTR- 3B રિટર્નની મુદત વધારવા સેલ્સ ટેક્સ બાર એસોસિયેશન દ્વારા GST સત્તાધીશો સમક્ષ મૌખિક રજૂઆત કરાઈ છે.

(12:09 pm IST)