Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

૪૪ બાળકોને જન્મ આપી ચૂકી છે આ મહિલા, સરકારે કહ્યું: હવે બસ કરો

તેને પાંચ વાર જોડિયા બાળકો, ચાર વાર ત્રણ બાળકો અને પાંચ વાર ચાર બાળકો એક સાથે જન્મ્યા છે

લંડન, તા.૧૯: બાળકનો ઉછેર કરવો ખૂબ જ મુશ્કેલ છે. એક બાળકને જન્મ આપવાનો નિર્ણય લેતા પહેલા તમે તમારી જાતને હજારો સવાલ પૂછો છો. યુગાંડાની એક મહિલા ૩૬ વર્ષની થઈ ત્યાં સુધીમાં જ તે ૪૪ બાળકોને જન્મ આપી ચૂકી છે. હવે વિચારો, તેની શું હાલત થતી હશે?

મરિયમ નાબાતાન્ઝી ફકત ૧૨ વર્ષની હતી ત્યારે તેના લગ્ન તેનાથી ૨૮ વર્ષ મોટા પુરુષ સાથે થયા હતા. તેણે એક વર્ષ પછી તેણે પહેલા જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. તેને પાંચ વાર જોડિયા બાળકો, ચાર વાર ત્રણ બાળકો અને પાંચ વાર ચાર બાળકો એક સાથે જન્મ્યા છે. ત્રણ વર્ષ પછી તેને તેના પતિએ તરછોડી દીધી અને તેના માથે તેમના ૩૮ બાળકોની જવાબદારી આવી ગઈ.

શું આ નોર્મલ લાગે છે? મરિયમે પહેલી પ્રેગનેન્સી પછી ડોકટરને બતાવ્યું. ડોકટરે કહ્યું કે તેનું ગર્ભાશય ખૂબ જ મોટું છે અને બર્થ કંટ્રોલ માટે પિલ્સ લેવાથી તેના સ્વાસ્થ્ય પર અવળી અસર પડી શકે છે. ૪૪ બાળકના જન્મ પછી તેને હવે વધુ બાળકોને જન્મ ન આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. ડોકટરોએ તેનું ગર્ભાશય કાઢી નાંખવાની પણ તૈયારી કરી લીધી છે.

મરિયમનું બાળપણ દ્યણું પીડાજનક રહ્યું હતું. તે નથી ઈચ્છતી કે તેના બાળકોને પણ એવું જ બાળપણ મળે. બાળકોની જરૂરિયાત પૂરી કરવા તે જે મળે તે કામ કરે છે. તેણે તેમને ખોરાક આપવા માટે પણ ખૂબ મહેનત કરવી પડે છે. તે કહે છે કે તેના પરિવારમાં એક દિવસમાં ૨૫ કિલો લોટ વપરાય છે. સૌથી મોટા દીકરાએ માતાની મદદ કરવા સ્કૂલ છોડી દેવી પડી હતી.

તે કહે છે, 'મમ્મીને બહુ કામ રહે છે, તે કામના ભાર નીચે દબાઈ ગઈ છે. અમે તેને શકય તેટલી મદદ કરીએ છીએ, જેમ કે રસોઈ કરવી, કપડા ધોવા. આમ છતાંય આખા પરિવારનો ભાર અત્યારે તેના માથે છે. મને ખરેખર એના માટે ખૂબ લાગણી થાય છે.'પોતાનું બાળપણ મુશ્કેલ રહ્યું હોવાથી મરિયમ નથી ઈચ્છતી કે તેના બાળકોને પણ આવું જ મુશ્કેલીભર્યું બાળપણ મળે. આથી તે બાળકોને ખુશ રાખવા શકય તેટલા પ્રયત્નો કરે છે.

(11:46 am IST)