Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

વિધાનસભા ચૂંટણી જંગઃ કોંગ્રેસનો પ્રચાર નિરસ અને બોદો રહ્યોઃ સોનિયા-પ્રિયંકા સહિતના સ્ટાર પ્રચારકોની હાજરી જોવા ન મળી

રાહુલ ગાંધીએ પણ અગાઉ કરતા ઓછો પ્રચાર કર્યોઃ પ્રચાર સ્થાનિક નેતાઓ પુરતો સીમીત રહ્યો

નવી દિલ્હી, તા. ૧૯ :. હરીયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર અંતિમ તબક્કામાં છે. બન્ને પ્રદેશોમાં સોમવારે મતદાન થવાનુ છે. આ પ્રદેશોમાં કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર સાવ ધીમો અને બોદો રહ્યો છે. પક્ષના અનેક સ્ટાર પ્રચારકો પ્રચારથી દૂર રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ અગાઉના મુકાબલે ઘણો ઓછો પ્રચાર કર્યો છે.

તો કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની ગઈકાલે હરીયાણામાં યોજાનારી રેલી રદ્દ કરવામાં આવી છે. વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર માટે રાજકીય પક્ષોને લગભગ ૧૫ દિવસનો સમય મળ્યો હતો. મહારાષ્ટ્ર અને હરીયાણા બન્નેમાં ભાજપની સરકાર છે. તેવામા આશા હતી કે લોકસભાની ચૂંટણીમાં પરાજયથી નિરાશ કાર્યકરોમાં જોશ ભરવા માટે કોંગ્રેસ આક્રમક પ્રચાર કરશે. પરંતુ પ્રચાર સાવ નિરસ રહ્યો અને સ્થાનિક નેતાઓ સુધી સીમીત રહ્યો. સ્ટાર પ્રચારકો પ્રચારથી દૂર રહ્યા.

ચૂંટણીમાં રાહુલ ગાંધીએ મોરચો સંભાળ્યો પરંતુ તેમને મહારાષ્ટ્રમાં ૫ અને હરીયાણામાં બે જ સભાઓ યોજી. મનમોહન સિંહે મુંબઈમાં પ્રચાર કર્યો જ્યારે સોનિયા ગાંધી દૂર રહ્યા. સોનિયા ગાંધીએ ખરાબ તબીયત હોવાના કારણે ચૂંટણી સભાઓથી દૂર રહેવાની નક્કી કર્યુ હતું. આમ ચૂંટણી પ્રચારનો મોરચો રાહુલ ગાંધીએ સંભાળ્યો હતો. સોનિયા ગાંધી માત્ર રાયબરેલીમાં ઉમેદવારી ભરવા અને તે પછી એક જનસભા માટે ગયા હતા.

મહારાષ્ટ્ર કોંગ્રેસના એક નેતાએ કહ્યુ કે પક્ષના સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ અનેક નેતાઓ પ્રચારથી દૂર રહ્યા. પ્રિયંકા ગાંધી પણ પ્રચાર કરવા ન આવ્યા. ચૂંટણી પ્રચારનો ભાર સ્થાનિક નેતાઓના ખભ્ભે જ રહ્યો.

(10:08 am IST)