Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

CBIમાં ગંભીર અનિયમિતતા સપાટી પર :વર્મા સામે મુશ્કેલી

વર્માની વાપસી મુશ્કેલરૃપ બની શકે છે :રિપોર્ટ :સોમવારના દિવસે એક વાગ્યા સુધી જવાબ રજુ કરવાનો સુપ્રિમ કોર્ટે અધિકારી આલોક વર્માને આદેશ આપી દીધો

 દિલ્હી, તા.૧૭ :સીબીઆઈ ભ્રષ્ટાચારના મામલામાં તપાસ બાદ કેટલીક મહત્વપૂર્ણ બાબતોમાં ગંભીર અનિયમિતતા સપાટી ઉપર આવી છે. આવી સ્થિતિમાં સરકાર દ્વારા રજા ઉપર મોકલી દેવામાં આવેલા સીબીઆઈ ડિરેકટર આલોક વર્માની મુશ્કેલી વધી શકે છે. સુપ્રિમ કોર્ટ આ મામલામાં તપાસને આગળ વધારવા વધુ ઝડપી તપાસના આદેશ કરી શકે છે. શુક્રવારના દિવસે જ સુપ્રિમ કોર્ટમાં રજુ કરવામાં આવેલી સીવીસી રિપોર્ટમાં કેટલાક મહત્વપૂર્ણ મામલામાં ગંભીર અનિયમિતતાની વાત કરવામાં આવી હતી. સુપ્રિમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આમાં અનેક આરોપોની ગંભીર તપાસ કરવાની જરૃર છે. સીબીઆઈના સ્પેશિયલ ડિરેકટર રાકેશ અસ્થાનાએ આલોક વર્મા પર કેટલાક મહત્વપૂર્ણ કેસોમાં દરમિયાનગીરી કરવાનો આક્ષેપ કર્યો હતો. સીવીસીએ વર્મા પર મુકવામાં આવેલા આક્ષેપોમાં વધુ ઉંડાણ સુધી જવાની વાત કરી હતી. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈના નેતૃત્વમાં સુપ્રિમ કોર્ટની બેચે સીવીસી દ્વારા મુકવામાં આવેલા આરોપોને લઈને વર્મા પાસેથી સોમવારે એક વાગ્યા સુધી જવાબની માંગ કરી છે. કોર્ટે કહ્યું છે કે આગામી કાર્યવાહી માટે ૨૦મી નવેમ્બર નક્કી કરવામાં આવી છે. વર્માની બે વર્ષની અવધિ આગામી વર્ષે જાન્યુઆરી મહિનામાં પરિપૂર્ણ થઈ રહી છે. આવી સ્થિતિમાં સુપ્રિમ કોર્ટ દ્વારા તપાસના આગળ વધારવામાં આવ્યા બાદ તેમની નિવૃત્તિથી પહેલા પોતાના પદ ઉપર પહોંચવાની બાબત મુશ્કેલ દેખાઈ રહી છે. કોર્ટનું કહેવું છે કે વર્માના જવાબ બાદ જ આ મામલામાં કોઈ અંતિમ ચુકાદો આપી શકાશે. સુપ્રિમ કોર્ટના પૂર્વ જજ એ.કે. પટનાયકના નેતૃત્વમાં કરવામાં આવેલી તપાસના રિપોર્ટ પર બેચે કહ્યું છે કે આ જરૃરી દસ્તાવેજોની સાથે દાખલ કરવામાં આવેલા અહેવાલને લઈને પુરતી વિગતો રહેલી છે. આને ચાર હિસ્સામાં વિભાજિત કરી શકાય છે. નાગેશ્વર રાવના નિર્ણયને લઈને પણ કેટલીક બાબતો પ્રશ્ન ઉઠાવે તેવી છે.

(7:44 pm IST)