Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

BJPને હરાવવા તખ્તો તૈયાર : ૨૨ નવેમ્બરે દિલ્હીમાં મહાગઠબંધનની મીટીંગ

બેઠકમાં ભાગ લેવા માટે કોંગ્રેસ, ટીડીપી, આમ આદમી પાર્ટી, જેડી(એસ), એનસીપી અને ટીએમસી જેવી પાર્ટીઓ માની ગઇ

નવી દિલ્હી તા. ૧૭ : પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી દિલ્હીમાં મહાગઠબંધનની બેઠકમાં ભાગ લેવા માટે તૈયાર થઇ ગયા છે. બીજેપી વિરુદ્ઘ વિપક્ષના તમામ નાના મોટા પક્ષો ૨૨ નવેમ્બરે દિલ્હીમાં એક મીટિંગ કરવાના છે. આ બેઠક આંધ્રપ્રદેશના સીએમ અને તેલુગૂ દેશમ પાર્ટીના પ્રમુખ ચંદ્રબાબૂ નાયડૂએ બોલાવી છે.

શુક્રવારે ચંદ્રબાબૂ નાયડૂએ મમતા બેનર્જી અને તૃણમૂલ કોંગ્રેસના ઘણા નેતાઓ સાથે કોલકાતામાં મુલાકાત કરી હતી. તે દરમિયાન મહાગઠબંધનની બેઠકમાં ભાગ લેવા માટે મમતા બેનર્જી માની ગયા છે. ટીડીપીના સૂત્રોએ જણાવ્યું કે, મમતા બેનર્જી ૨૨ નવેમ્બરે દિલ્હીમાં બોલાવેલી મીટિંગમાં ભાગ લેવા તૈયાર થઇ ગયા છે.

આ બેઠકમાં ભાગ લેવા માટે કોંગ્રેસ, ટીડીપી, આમ આદમી પાર્ટી, જેડી(એસ), એનસીપી અને ટીએમસી જેવી પાર્ટીઓ માની ગઇ છે. ટીડીપીના નેતા શનિવારે પ્રફૂલ પટેલ સાથે મુંબઈમાં મુલાકાત કરશે. શરદ યાદવ પણ આ બેઠકમાં હાજર રહેવા તૈયાર થઇ ગયા છે. શરદ યાદવ પણ આ બેઠકમાં ભાગ લેશે, પરંતુ માયાવતી તરફથી આ બેઠકમાં ભાગ લેવા માટે કોઇ સંકેત આપ્યા નથી. લેફટના નેતા પણ આ બેઠકથી દૂર ભાગી રહ્યા છે.

મહાગઠબંધનથી નારાજ લોકોને એક સાથે ફરીથી લાવવા માટે આંધ્રપ્રદેશના સીએમ અને તેલુગૂ દેશમ પાર્ટીના પ્રમુખ ચંદ્રબાબૂ નાયડૂએ બીડું ઉઠાવ્યું છે. એન્ટી-બીજેપી ફ્રન્ટને મજબૂત કરવાની કોશિશોની વચ્ચે ચંદ્રબાબૂ નાયડૂ થોડા દિવસ પહેલા જ અમરાવતીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી.

આ મીટિંગમાં એ નક્કી થયું કે બીજેપી વિરૂદ્ઘ વિપક્ષના તમામ મોટા પક્ષ ૨૨ નવેમ્બરે દિલ્હીમાં એક મીટિંગ કરશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને પૂર્વ સીએમ અખિલેશ યાદવ અને ડીએમકે નેતા એમકે સ્ટાલિન સાથે મુલાકાત બાદ નાયડૂએ શુક્રવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કરી હતી.

(11:00 am IST)