Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

રેલવે મંત્રી પિયુષ ગોયલ સાથે રેલવે કર્મીઓએ કરી ધક્કા-મુક્કી : એક કર્મીએ માર્યુ કુંડુ

ગોયલના નિવેદન બાદ ત્યાં હંગામો શરૂ થઇ ગયો : યુનિયનના પદાધિકારીઓએ નારેબાજી શરૂ કરી દીધી અને અફરા - તફરી વચ્ચે કાર્યક્રમમાંથી રેલવે મંત્રીને ભાગવું પડયું

લખનૌ તા. ૧૭ : લખનઉમાં એક કાર્યક્રમમાં આવેલા પિયુષ ગોયલ ઉપર એક રેલવે કર્મચારીએ છોડનું કુંડુ ફેકયું. આ દરમ્યાન ધક્કા-મુક્કી, અભદ્રતા અને નાની હાથ ચાલાકીથી કાર્યક્રમમાં અફરા-તફરી મચી ગઈ. આ હંગામાની શરૂઆત ત્યારે થઈ જયારે રેલવે મંત્રીએ નિવેદન આપ્યું કે, યૂનિયન રેલવે કર્મચારીઓને ગેર માર્ગે દોરી રહી છે. ત્યારબાદ શરૂ થઈ ધક્કા-મુક્કી, નારેબાજી અને હંગામો, જે ઘણા સમય સુધી ચાલતો રહ્યો.

હજુ આ બધુ ચાલી રહ્યું હતું, એવામાં જ ભીડમાંથી એક કર્મચારીએ રેલ્વેમંત્રી તરફ ફૂલનું કુંડુ ફેકી દીધુ, જેના કારણે તેમને સામાન્ય ઈજા પણ પહોંચી. આ ફૂલના કુંડાના કારણે તેમના સુરક્ષાકર્મી પંકજ શુકલાને પણ ઈજા પહોંચી.

રેલવે મંત્રી પીયૂષ ગોયલે અહીં રેલવે સ્ટેડિયમમાં અધિવેશનમાં સામેલ થવા આવ્યા હતા, પરંતુ તેમના ભાષણ બાદ કર્મચારીઓેએ તેમની સાથે અભદ્રતા કરી. આ દરમ્યાન રેલવે કર્મચારીઓના ધક્કા-મુક્કાથી બચતા મંત્રીએ ભાગવું પડ્યું. અધિવેશનમાં સંબોધન દરમ્યાન પિયૂષ ગોયલે કહ્યું કે, યૂનિયન લોકોને ભડકાવે છે. તે યુવાનોને ખોટા રસ્તા પર લઈ જાય છે.

ગોયલના આ નિવેદન બાદ ત્યાં હંગામો શરૂ થઈ ગયો. યૂનિયનના પદાધિકારીઓએ નારેબાજી શરૂ કરી દીધી અને અફરા-તફરી વચ્ચે કાર્યક્રમમાંથી રેલવે મંત્રીને ભાગવું પડ્યું.

(11:03 am IST)