Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

૧૦,૦૦૦ પદ માટે અધધધ...૯૫ લાખ અરજીઓ આવી

દેશમાં બેરોજગારીનો રાક્ષસ બિહામણી રીતે ધૂણી રહ્યો છેઃ રેલ્‍વેમાં સુરક્ષા દળોની ભરતીમાં અરજીઓના ઢગલા

મુંબઈ, તા. ૧૭ :. ભારતમાં બેકારીનો રાક્ષસ બિહામણી રીતે ધૂણી રહ્યો છે. તેનો જીવતો જાગતો પુરાવો અહીં જોવા મળ્‍યો છે. નાના પદ માટે લાખો ડીગ્રી ધારક યુવાનોએ અરજી કરી છે. બાબત છે રેલ્‍વેની. ભારતીય રેલ્‍વેમાં સુરક્ષા દળોની ભરતી થઈ રહી છે. ૧૦,૦૦૦ ભરતી માટે ૯૫ લાખથી વધુ અરજીઓ મળી છે. હવે રેલ્‍વે બોર્ડની પરેશાની એ છે કે આટલા બધા લોકોની પરીક્ષા લેવી કઈ રીતે ?

રેલ્‍વે સુરક્ષા દળના વડા અરુણકુમાર સિંહના જણાવ્‍યા પ્રમાણે દેશભરમાં કોન્‍સ્‍ટેબલના પદ માટે ૮૬૧૯ અને સબ ઈન્‍સ્‍પેકટર માટે ૧૧૨૦ જગ્‍યાઓ માટે અરજી માંગવામાં આવી છે. આ બન્ને પદ માટે અત્‍યાર સુધીમાં ૯૫.૫૧ લાખ અરજીઓ મળી છે. આ અરજીઓને નિપટવા કોમ્‍પ્‍યુટરની મદદ લેવામાં આવી છે.

કોન્‍સ્‍ટેબલ પદમાં ૪૨૧૬ મહિલાઓ અને ૪૪૦૩ પુરૂષો જોઈએ છે. આ માટે ૭૬.૬૦ લાખ અરજીઓ આવી છે. સબ ઈન્‍સ્‍પેકટર પદ માટે મહિલાઓની ૩૦૧ જગ્‍યા અને પુરૂષોની ૮૧૯ જગ્‍યા માટે ૧૮.૯૧ લાખ અરજીઓ આવી છે.

(10:42 am IST)