Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

મોદીના વિરોધીઓની બોલતી બંધ કરવા આવે છે પુસ્‍તકઃ અમિત શાહે લખી છે ભૂમિકા

આવતા મહિને બુકનું થશે લોન્‍ચીંગઃ ૨૦૧૯માં મોદીની છબી ચમકાવવામાં મદદરૂપ થશે આ પુસ્‍તકઃ ગુજરાતી, હિન્‍દી સહિત અનેક ભાષાઓમાં બહાર પડશેઃ લેખક છે બાલાશંકર : છેલ્લા સાડા ચાર વર્ષમા ઉઠેલા મુદ્દાઓ રાષ્‍ટ્રીય સુરક્ષા, ભારતમાં અસહિંષ્‍ણુતાનો ડર, નોટબંધી, લઘુમતીઓના પ્રશ્નો, બેંક એનપીએ, રાફેલ ડીલ, વિદેશ નીતિ, મોદી અને શાહના સંબંધો ઉપરાંત સામાજિક સશકિતકરણ જેવા મુદ્દાની છણાવટ છે

નવી દિલ્‍હી, તા. ૧૭ : વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી ઉપર લખવામાં આવેલ પુસ્‍તક અનેક ભાષાઓમાં બહાર પડવા માટે તૈયાર છે. માનવામાં આવે છે કે, પુસ્‍તક સત્તારૂઢ ભાજપનું સમર્થક બની રહેશે. ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી પહેલા મોદીની છબીને ચમકાવવા માટે આ પુસ્‍તક મદદરૂપ બનશે. પુસ્‍તકનું નામ છે ‘નરેન્‍દ્ર મોદીઃ ક્રિએટીવ ડીસરપ્‍ટર-ધ મેકર ઓફ ન્‍યુ ઈન્‍ડીયા' આ પુસ્‍તકને આર. બાલાશંકરે લખ્‍યુ છે. તેઓ ઓર્ગેનાઈઝરના તંત્રી રહી ચૂકયા છે. આ સિવાય તેઓ ભાજપ આઈટી સેલના સંયોજક પણ રહી ચૂકયા છે. બાલાશંકરે પીએમ મોદીને લઈને જે પુસ્‍તક લખ્‍યુ છે તેમા તેઓ પીએમ મોદીના વિરોધીઓને જવાબ આપશે અને પીએમ મોદીના સ્‍વરૂપમાં તેમના દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાનાઓના વિરોધમાં ઉઠેલા સવાલોના જવાબ પણ આપશે.

મળતી માહિતી મુજબ આવતા મહિનાના પ્રથમ સપ્તાહમાં આ પુસ્‍તક લોન્‍ચ થશે. આશા છે ભાજપના અધ્‍યક્ષ અમિત શાહ ખુદ પીએમ મોદી પર લખવામાં આવેલ આ પુસ્‍તકને લોન્‍ચ કરશે. પુસ્‍તકની ખાસ વાત એ છે કે તેની ભૂમિકા અમિત શાહે લખી છે, જ્‍યારે કેન્‍દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ તેમનો પરીચય લખ્‍યો છે. આ સિવાય કેન્‍દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પુસ્‍તક પર પોતાના વિચારો લખ્‍યા છે. પુસ્‍તકનું અંગ્રેજી વર્ઝન આવતા મહિને લોન્‍ચ થશે. હિન્‍દીમાં પણ તે છપાશે. આ ઉપરાંત ગુજરાતી, પંજાબી, મરાઠી, તમીલ, કન્નડ અને મલયાલમ ભાષામાં પણ છપાશે. એવી આશા છે કે, ૨૦૧૯ની ચૂંટણી પહેલા ૧ લાખ આવૃતિ બજારમાં આવી જશે.

બાલાશંકરના જણાવ્‍યા પ્રમાણે પુસ્‍તકમાં ૩૦૦ પાના છે અને ૧૭ અધ્‍યાય છે આ સિવાય લગભગ ૪૦ દુર્લભ અને પ્રાસંગિક તસ્‍વીરો છે. તેઓનું કહેવુ છે કે પુસ્‍તકમાં એવા તમામ વિવાદીત મુદ્દાઓ ઉપર લખવામાં આવ્‍યુ છે જે છેલ્લા સાડા ચાર વર્ષથી ઉઠયા છે. જેમાં રાષ્‍ટ્રીય સુરક્ષા, ભારતમાં અસહિંષ્‍ણુતાનો ડર, નોટબંધી, લઘુમતીઓના પ્રશ્નો, બેંક એનપીએ, રાફેલ ડીલ, વિદેશ નીતિ, મોદી અને શાહના સંબંધો ઉપરાંત સામાજિક સશકિતકરણ જેવા મુદ્દા પણ છે. બાલાશંકરનું કહેવુ છે કે મોદી સૌથી બેસ્‍ટ છે. તેમની ખાસીયત છે કે તેઓ ભાજપના બીનવિવાદાસ્‍પદ નેતા છે.

 

(1:07 pm IST)