Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

આમિર ખાનના ભાઈ ફૈઝલનો દાવો, સુશાંતની હત્યા થઈ હતી

અભિનેતાના મોત પર ફરી એક વખત હોબાળો : ભાઈ આમિર ખાને માનસિક રીતે અસ્વસ્થ હોવાનો દાવો કરીને રૃમમાં બંધ કરી દીધા હોવાનો ફૈઝલખાનનો આરોપ

મુંબઈ, તા.૧૭ : આમિરખાનના ભાઈ અને એક્ટર ફૈઝલ ખાને તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે, એક્ટર સુશાંત સિંહ રાજપૂતની હત્યા કરવામાં આવી હતી. આ સાથે તેમણે કહ્યું હતું કે, આ પ્રકારની હકીકતો સામે નથી આવતી. હું પ્રાર્થના કરૃ છું કે, સત્ય જલ્દી સામે આવે. સુશાંત સિંહ રાજપૂતની મોતના ઘણા સમય બાદ આ સમાચારના કારણે ફરીથી એક વખત હોબાળો મચી ગયો છે. જો કે લોકોએ આ કેસમાં કોઈનું નામ બહાર આવશે તેવી આશા છોડી દીધી છે.

ફૈઝલ ખાને કહ્યું હતું કે, 'મને ખબર છે કે સુશાત સિંહની હત્યા કરવામાં આવી હતી. કેસ ક્યારે ખુલશે કે નહીં ખુલે તે તો સમય જ કહેશે. તેમાં ઘણી એજન્સીઓ (સીબીઆઈ, ઈડી, એનસીબી) પણ સામેલ છે. તપાસ ચાલી રહે છે, ક્યારેક સત્ય બહાર આવતું નથી. હું પ્રાથના કરૃ છું કે સત્ય બહાર આવે જેથી દરેકને આ વિશે ખબર પડે.'

સુશાંત સિંહ રાજપૂત ૧૪ જૂન ૨૦૨૦ના રોજ પોતાના બાન્દ્રા ખાતેના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. કહેવાઈ રહ્યું છે કે તેમણે આત્મહત્યા કરી લીધી હતી. તેમનો મૃતદેહ પંખા સાથે લટકાયેલી હાલતમાં મળી આવ્યો હતો. તેમના મૃત્યુ બાદ એક્ટરના પિતાએ તેમની પ્રેમિકા રિયા ચક્રવર્તીની સામે એફઆઈઆર નોંધાવી હતી. ઈડી, એનસીબી, સીબીઆઈ જેવી અનેક એજન્સીઓએ રિયા ચક્રવર્તીની પૂછપરછ કરી હતી. સુશાંતની મૃત્યની સીબીઆઈ તપાસ હજુ પણ ચાલું છે. સુશાંતનો પરિવાર અને ચાહકો હજુ પણ પ્રાર્થના કરી રહ્યા છે કે તેને ન્યાય મળે.

તાજેતરમાં સુશાંત સિંહ રાજપૂતની બહેન મીતૂએ તેમની એક તસવીર શેર કરીને લખ્યું હતું કે, 'સુશાંતનું બ્રહ્માસ્ત્ર બોલિવુડનો નાશ કરવા માટે પૂરતુ છે. બોલિવુડ હમેશા જનતા ઉપર હુકમ ચલાવવા માગે છે, પરસ્પર આદર અને નમ્રતા દર્શાવવા માટે ક્યારેય નથી રોકાતું. નૈતિક મૂલ્યોથી સમૃદ્ધ આપણા દેશનો ચહેરો આપણે આવા લોકોને કેવી રીતે બનાવી શકીએ? બનાવટી રીતે જનતાનો પ્રેમ જીતવાનો તેમનો અફસોસભર્યો પ્રયત્ન નિષ્ફળ ગયો છે. માત્ર ગુણવત્તા અને નૈતિક મૂલ્યો જ પ્રશંસા અને આદર જીતશે.'

આ દરમિયાન ફૈઝલ ખાને એ જણાવીને વિવાદ ઉભો કરી દીધો હતો કે, તેમના ભાઈ સુપરસ્ટાર આમિર ખાને તેમને માનસિક રીતે અસ્વસ્થ હોવાનો દાવો કરીને રૃમમાં બંધ કરી દીધા હતા.

તેમણે કહ્યું હતું કે, 'હું મારા પરિવાર સાથે તે તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો. એક દિવસ આમિરે કહ્યું હતું કે, તેને મારા હસ્તાક્ષરનો અધિકાર જોઈએ છે કારણ કે હું પાગલ છુ અને મારી સંભાળ નથી રાખી શકતો. તેથી મને જજ સમક્ષ એ જાહેર કરવાનું કહેવામાં આવ્યું હતું કે, હું મારી સંભાળ રાખવામાં અસમર્થ છું. હું કારણ સમજી શક્યો નહીં. તેથી મેં ઘર છોડવાનું નક્કી કર્યું.'

(7:50 pm IST)