Gujarati News

Gujarati News

News of Sunday, 15th December 2019

શેરબજારમાં જુદા જુદા પરિબળની અસર રહી શકે : વેપારી સુસજ્જ

યુએસ-ચીન ટ્રેડ ડિલ, જીએસટી કાઉન્સિલની બેઠક પર નજર : દલાલ સ્ટ્રીટની દિશા નક્કી કરવામાં વિવિધ પરિબળની ભૂમિકા રહેશે : નવા આઈપીઓ, આર્સેલર મિત્તલ ટ્રાન્સફર મની સહિત ઘણા પરિબળ પર નજર

મુંબઈ, તા.૧૫ : શેરબજારમાં આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં જુદા જુદા પરિબળોની સીધી અસર જોવા મળી શકે છે જેમાં અમેરિકા અને ચીન વચ્ચે વેપાર સમજૂતિ, જીએસટી કાઉન્સિલની બેઠક તથા બ્રેગ્જિટ જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ તમામ પરિબળો બજારની દિશા નક્કી કરવામાં ચાવીરુપ ભૂમિકા અદા કરી શકે છે. આઈબીસી કોર્ટ મારફતે તેવો ઠરાવ આવી ચુક્યો છે કે, કેટલીક બાબતો ખુબ મહત્વપૂર્ણ બનેલી છે. આ સપ્તાહમાં એમપીસીની બેઠકના પરિણામની વિગતો પણ જાહેર કરવામાં આવનાર છે. અર્થતંત્રની સ્થિતિ અંગે આરબીઆઈ શું માને છે તેના અંગે માહિતી જારી કરવામાં આવશે. આ સંદર્ભમાં બજારની દિશા નક્કી કરવામાં કેટલાક પરિબળોની ચાવીરુપ ભૂમિકા રહી શકે છે જેમાં અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ સમજૂતિનો સમાવેશ થાય છે.

                  શુક્રવારના દિવસે ચીન સાથે વેપાર સમજૂતિ પૈકી એક આડેની અડચણો દૂર કરવા પર સહમતિ થઇ હતી. આની સાથે જ ટેરિફના ૧૫મી ડિસેમ્બરના રાઉન્ડની ગુંચવણ ટળી ગઈ છે. આવતીકાલે તેની પ્રતિક્રિયા બજારમાં જોવા મળી શકે છે. બ્રિટનમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં બોરીસ જોન્શનને બહુમતિ મળી ગઈ હોવા છતાં બ્રિટનની સંસદ ક્રિસમસ પહેલા બ્રેગ્ઝિટને લઇને કોઇ નિર્ણય કરે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. યુરોપિયન સંસદ ત્યારબાદ આ સમજૂતિ પર મતદાન કરનાર છે. સમગ્ર પ્રક્રિયા સાનુકુળરીતે આગળ વધી શકે છે. ૩૧મી જાન્યુઆરી ૨૦૨૦ની વર્તમાન તારીખને વળગી રહેવા માટે બોરિસ જોન્શન ઉત્સુક બનેલા છે.

આરબીઆઈ દ્વારા ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજાયેલી મોનિટરી પોલિસી કમિટીની બેઠકના તારણો જારી કરશે. બેંચમાર્ક ધિરાણદરો સ્થિર કેમ રાખવામાં આવ્યા તેના અંગે માહિતી આપવામાં આવશે. સતત પાંચ વખત વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યા બાદ આરબીઆઈએ હાલમાં જ તેની છઠ્ઠી પોલિસી સમીક્ષામાં વ્યાજદરો યથાવત રાખ્યા હતા. ૧૮મી ડિસેમ્બરના દિવસે પ્રિન્સ પાઇપ એન્ડ ફિટિંગનો આઈપીઓ બજારમાં આવી રહ્યો છે. ૫૦૦ કરોડના આ આઈપીઓને લઇને ઉત્સુકતા દેખાઈ રહી છે. ૮૪ ઇક્વિટી શેરના લઘુત્તમ બીડને લઇને ઉત્સુકતા દેખાઈ રહી છે. શેરબજારમાં અન્ય અનેક પરિબળો પણ છે જેમાં ડોલર સામે રૂપિયાની ચાલી, ક્રૂડ ઓઇલની કિંમતોનો સમાવેશ થાય છે.

(8:04 pm IST)