Gujarati News

Gujarati News

News of Sunday, 15th December 2019

સાવરકરના બહાને કોંગ્રેસ પર માયાવતીના આકરા પ્રહાર

શિવસેનાને લઇને વલણ સ્પષ્ટ કરવા પડકાર : સાવરકરના મામલે કોંગ્રેસ તેમજ શિવસેના આમને સામને ઇતિહાસમાં ધ્યાન આપવા રાહુલગાંધીને સંજય રાવતની સલાહ

લખનૌ, તા. ૧૫ : બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ સાવરકરના મુદ્દા ઉપર આજે કોંગ્રેસ પર તેજાબી પ્રહાર કર્યા હતા. માયાવતીએ કહ્યું હતું કે, શિવસેના પોતાના મૂળ એજન્ડા ઉપર મક્કમ છે. નાગરિક સુધારા બિલને લઇને કેન્દ્ર સરકારને શિવસેનાએ સાથ આપ્યો છે અને હવે સાવરકરના મુદ્દા ઉપર પણ કોંગ્રેસના વલણથી શિવસેના ખુશ નથી. માયાવતીએ કહ્યું હતું કે, આ તમામ ઘટનાક્રમ હોવા છતાં કોંગ્રેસ પાર્ટી મહારાષ્ટ્રમાં શિવસેનાની સાથે ચાલી રહી છે. કોંગ્રેસ પાર્ટી હવે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી રહી નથી. જો તેના દ્વારા સ્થિતિ સ્પષ્ટ કરવામાં નહીં આવે તો કોંગ્રેસની નાટકબાજી આને ગણવામાં આવશે. માયાવતીએ ટ્વિટ કરીને કહ્યું છે કે, શિવસેના પોતાના મૂળ એજન્ડા ઉપર હજુ પણ મક્કમ છે. નાગરિક સુધારા બિલ પર કેન્દ્ર સરકારનો સાથ શિવસેના આપી ચુકી છે. સાવરકરના મુદ્દે પણ શિવસેના તેના વલણ ઉપર મક્કમ છે છતાં કોંગ્રેસ પાર્ટી શિવસેનાની સાથે દેખાઈ રહી છે.

          આનાથી કોંગ્રેસના બેવડા ચરિત્રને જોઇ શકાય છે. માયાવતીએ કહ્યું હતું કે, કોંગ્રેસે આને લઇને પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઇએ. જો આવું કરવામાં નહીં આવે તો તેમની પોતાની પાર્ટીની નબળાઈ પર કોંગ્રેસના લોકો નારાજ થશે. સાથે સાથે આને નાટકબાજી તરીકે ગણવામાં આવશે. સાવરકરના મુદ્દે શિવસેના અને કોંગ્રેસ વચ્ચે તલવારો ખેંચાઈ ગઈ છે. ભાજપના રેપ ઇન ઇન્ડિયા નિવેદન પર રાહુલ ગાંધીએ શનિવારના દિવસે કહ્યું હતું કે, તેમનું નામ રાહુલ સાવરકર નથી બલ્કે રાહુલ ગાંધી છે. તેઓ ક્યારેય માફી માંગશે નહીં. રાહુલના નિવેદન બાદ શિવસેનાએ જોરદાર હલ્લો મચાવ્યો હતો. રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા શિવસેનાના પ્રવક્તા સંજય રાવતે કહ્યું હતું કે, રાહુલ ગાંધીના નિવેદનથી ઇતિહાસ બદલાશે નહીં.

            રાહુલ ગાંધીને સાવરકરના સંદર્ભમાં વધુ અભ્યાસ કરવાની જરૂર છે. રાહુલ ગાંધી ઇતિહાસના પાના ફાડી શકે છે પરંતુ ઇતિહાસ બદલી શકે નહીં. કોંગ્રેસ સાથે આ મુદ્દા પર વધતાં ગતિરોધ વચ્ચે શિવસેનાએ કહ્યું છે કે, સાવરકરના મુદ્દા ઉપર શિવસેના પોતાના જુના વલણ ઉપર મક્કમ છે. સંજય રાવતે કહ્યું છે કે, રાહુલ ગાંધીના રામલીલા મેદાનમાં આપવામાં આવેલા નિવેદનથી ઇતિહાસ બદલાશે નહીં. તેમને સાવરકર અંગે અભ્યાસ કરવાની જરૂર છે. સાવરકરે દેશની સ્વતંત્રતામાં પોતાનું યોગદાન આપ્યું હતું. રાહુલ ગાંધીના નિવેદનથી સાવરકરનું મહત્વ ઓછું થશે નહીં. પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનમોહનસિંહે કહ્યું હતું કે, મતભેદ થઇ શકે છે પરંતુ ઇતિહાસમાં સાવરકરનું યોગદાન ભુલી શકાય તેમ નથી.

(8:02 pm IST)