Gujarati News

Gujarati News

News of Sunday, 15th December 2019

ભારતમાં નાગરિકતા કાયદો પસાર કરવામાં ધાર્મિક સ્‍વાતંત્રતા જળવાય તે જોવા અમેરિકાનો અનુરોધ

વોશિંગ્ટન : ભારત સરકાર દ્વારા સંસદમાં નાગરિકતા કાયદો પસાર કરવામાં આવ્યા પછી દેશનાં પૂર્વોત્તર રાજ્યો સહિત અનેક રાજ્યોમાં ભારે હિંસક વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે ત્યારે અમેરિકાએ ભારતને ધાર્મિક સ્વતંત્રતાનું સન્માન જાળવવા સલાહ આપી છે. અમેરિકાનાં રાજદ્વારીએ આ મામલે ચિંતા વ્યક્ત કરી છે. લાર્જ ફોર ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમનાં રાજદૂત સેમ બ્રાઉનબેકે જણાવ્યું હતું કે, બંધારણ એ ભારતની સૌથી મોટી તાકાત છે. એક લોકશાહી દેશ તરીકે અમે તેનાં બંધારણનું સન્માન કરીએ છીએ પણ નાગરિકતા કાયદાનાં અમલની અસરોથી અમે ચિંતિત છીએ. અમને આશા છે કે, ભારત એક જવાબદાર દેશ તરીકે ધાર્મિક સ્વતંત્રતાનું સન્માન જાળવશે.

ભારતનાં નાગરિકતા કાયદાને સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકારનાં પ્રવક્તા જેરેમી લોરેન્સે મૂળભૂત રીતે પક્ષપાતભર્યો ગણાવ્યો હતો. તેમાં મુસ્લિમોને નાગરિકતા આપવામાં બાકાત રાખીને જાતિ અને ધર્મને આધારે ભેદભાવ રાખવામાં આવ્યો છે તેમ જિનીવા ખાતે તેમણે કહ્યું હતું.

નાગરિકતા કાયદાનાં અમલ માટે ભારતમાં પૂર્વનાં તેમજ અન્ય રાજ્યોમાં હિંસક દેખાવો ફાટી નીકળ્યા પછી અમેરિકા, યુકે, ફ્રાન્સ અને ઇઝરાયેલ દ્વારા તેમનાં નાગરિકોને ભારતમાં પ્રવાસ કરતા પહેલા સાવચેત કર્યા છે અને ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે. યુકે, અમેરિકા, ફ્રાન્સ અને ઇઝરાયેલએ તેના નાગરિકોને કાશ્મીર અને લદ્દાખ તેમજ પૂર્વનાં રાજ્યો આસામ, ત્રિપુરા અને મેઘાલય નહીં જવા ચેતવણી આપી છે.

(11:35 am IST)