Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

લોકસભા ચૂંટણીમાં મતગણતરીમાં ગરબડ? સુપ્રીમ કોર્ટેની ચૂંટણીપંચને નોટીસ

૨૦૧૯માં સંપન્ન થયેલી ચૂંટણીનાં વિભિન્ન બેઠકો પર મતદાતાઓની સંખ્યા અને મતની ટકાવારી અને ગણતરી કરાયેલ મતોની સંખ્યા અંગે પંચ દ્વારા ઉપલબ્ધ કરાયેલ આંકડાઓમાં ગંભીર વિસંગતતાઓ છે

નવી દિલ્હી, તા.૧૪: સુપ્રીમ કોર્ટે ૨૦૧૯માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ૩૪૭ મતદાન અને તેની ગણતરીમાં કહેવાતી વિસંગતતાઓની તપાસ માટે બે બીન સરકારી સંગઠનોની જાહેરહિતની અરજી પર શુક્રવારે ચૂંટણી પંચને નોટિસ મોકલી છે. ચીફ જજ એસ. એ. બોબડેની અધ્યક્ષતાવાળી પીઠે તેની સાથે સંકળાયેલી આવી અરજીઓની પણ ધ્યાનમાં રાખીને ફેબ્રુઆરી-૨૦૨૦માં સુનાવણી થશે.

બીન સરકારી સંગઠન એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ(એડીઆર) અને કોમન કોઝે અરજીમાં ચૂંટણી પંચને ભવિષ્યમાં તમામ ચૂંટણીમાં આંકડાઓની વિસંગતતાની તપાસ માટે જરૂરી પ્રક્રિયા તૈયાર કરવો નિર્દેશ આપવાનો અનુરોધ કર્યો છે. એડીઆરે પોતાના નિષ્ણાતોની ટીમના શોધ આંકડાનો હવાલો આપતાં કહ્યું છે કે ૨૦૧૯માં સંપન્ન થયેલી ચૂંટણીનાં વિભિન્ન બેઠકો પર મતદાતાઓની સંખ્યા અને મતની ટકાવારી અને ગણતરી કરાયેલ મતોની સંખ્યા અંગે પંચ દ્વારા ઉપલબ્ધ કરાયેલ આંકડાઓમાં ગંભીર વિસંગતતાઓ છે.

અરજીમાં દાવો કરાયો છે કે તેમને તપાસ દરમ્યાન અનેક વિસંગતતાઓની જાણ થઈ છે. અરજીમાં કહ્યું છે કે આ વિસંગતતા એક મતથી લઈને ૧,૦૧,૩૨૩ મતોની છે. જે કુલ મતોના ૧૦.૪૯ ટકા છે. અરજી અનુસાર ૬ બેઠકો પર મતોની વિસંગતતા ચૂંટણીમાં જીતના અંતરથી વધારે છે. અરજીમાં કોઈપણ ચૂંટણીના પરિણામો જાહેરાત પહેલાં યોગ્ય રીતે મેળવવા અને આ વર્ષે લોકસભા ચૂંટણીમાં ફોર્મ ૧૭ સી, ૨૦, ૨૧સી, ૨૧ડી અને ૨૧ઇ ની સૂચના સાથે તમામ ભાવિ ચૂંટણીની આવી જાણકારી સાર્વજનિક કરવા ચૂંટણીપંચને અનુરોધ કરાયો છે.

અરજીમાં કહેવાયું છે કે ચૂંટણીની પવિત્રતા બનાવી રાખવી જરૂરી છે કે ચૂંટણીના પરિણામો એકદમ યોગ્ય હોવા જોઈએ. કારણ કે સંસદીય ચૂંટણીમાં કોઈપણ પ્રકારની વિસંગતતાને સંતોષજનક રીતે ઉકેલ વગર અવગણી શકાય નહી.

(3:24 pm IST)