Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

આંધ્ર પ્રદેશ વિધાનસભાએ પાસ કર્યુ 'દિશા બિલ':દુષ્કર્મના આરોપીઓને ૨૧ દિવસમાં ફાંસી

સાત દિવસમાં તપાસ, ચાર્જશીટથી ૧૪ દિવસમાં સુનવણી અને સજાઃ તપાસ માટે પોલીસને વિશેષ ટીમ બનાવવાનો અધિકાર મળશે

અમરાવતી, તા.૧૪: દેશમાં વધી રહેલા મહિલાઓ અને બાળકો વિરુદ્ઘ યૌન શોષણના અપરાધો પર લગામ લેવા અને આરોપીઓને જલ્દીથી સજા મળે એ માટે આંધ્ર પ્રદેશ વિધાનસભા એક બિલ પાસ કર્યું છે. આ બિલ થકી ભારતીય દંડ સહિતા અને દંડ પ્રક્રિયા સંહિતામાં સુધારો કરી આ પ્રકારના ગંભીર મામલાઓમાં ઝડપથી તપાસ અને સુનવણી કરવા તથા આરોપીને તેમના અંજામ સુધી પહોંચાડવાની ભલામણ કરવામાં આવી છે.

નવા કાયદાનું નામ 'આંધ્ર પ્રદેશ દિશા અધિનિયન અપરાધિક કાયદો ૨૦૧૯' રાખવામાં આવ્યું છે. હાલમાં પડોસી રાજય તેલંગણામાં એક વેટનરી મહિલા ડોકટર સાથે ગેંગરેપ અને હત્યાનો અતિ ગંભીર મામલો સામે આવ્યો હતો. આ બિલ (એકટ) પીડિતાને શ્રદ્ઘાંજલિ છે.

ગૃહ રાજયમંત્રી એમ સુચરિતાએ આ બિસ વિધાનસભા સમક્ષ રજૂ કર્યું હતું, જેને સત્તારુઠ પાર્ટી આયએસઆર કોંગ્રેસે ક્રાંતિકારી પગલુ ગણાવ્યું હતું. નવા કાયદા હેઠળ યૌન અપરાધોના મામલાઓની તપાસ સાત કામકાજ દિવસોમાં પૂરી કરવાની રહેથે અને ચાર્જશીટ દાખલ કર્યાના ૧૪ કાર્યરત દિવસોની અંદર સુનવણી પૂરી કરવાની રહેશે. આ કાયદા હેઠળ કરવામાં આવેલી સજા વિરુદ્ઘ અપીલનો ઉકેલ છ મહિનાની અંદર કરવાનો રહેશે. તેમજ આ કાયદામાં આઇપીસીની ત્રણ નવી કલમો ૩૫૪ઇ, ૩૫૪ એફ અને ૩૫૪જી સામેલ કરવામાં આવશે.

આ સિવાય આંધ્ર પ્રદેશ વિધાનસભાએ એક અન્ય બિલ પાસ કર્યું હતું જે હેઠળ મહિલાઓ અને બાળકો વિરુદ્ઘ અપરાધોની ઝડપથી સુનવણી કરવા માટે વિશેષ અદાલતોની રચના કરવામાં આવે. આ માટે દરેક જીલ્લામાં એક કે તેથી વધુ વિશેષ અદાલત ઉભી કરવામાં આવશે, આ પ્રકારના મામલાઓમાં તપાસ માટે પોલીસ ઉચ્ચ અધિકારીના નેતૃત્વમાં વિશેષ ટીમ બનાવવાનો અધિકાર પણ મળશે.

(9:57 am IST)