Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

મોદી સરકારે પ્રથમ વખત સાંસદ બનેલા નુસરત જહાં-પ્રજ્ઞા ઠાકુરને સોંપી જવાબદારી

શશી થરૂર આઇટી મંત્રાલય સાથે તો રાહુલ ગાંધી રક્ષા મંત્રાલય સાથે જોડાયા

નવી દિલ્હી, તા.૧૪: ૧૭મી લોકસભા માટે સંસદની સ્થાયી સમિતિઓની રચના કરી છે. પહેલી વખત સંસદ પહોંચેલા ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુર અને ટીએમસી સાસંદ નુસરત જહાંને સંસદમાં અગત્યની જવાબદારી સોંપાઇ છે. નુસરત જહાંને જળ સંસાધન બાબતો પર બનેલી સંસદીય કમિટીના સભ્ય તરીકે નિમણૂક કરાઇ છે. આ કમિટીના અધ્યક્ષ ભાજપ સાંસદ સંજય જયસ્વાલ કરશે.

ભોપાલથી ભાજપ સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરને રેલવે પર બનેલી કમિટીના સભ્ય તરીકે નિમણૂક કરાયા છે. આ કમિટીમાં ફારૂક અબ્દુલ્લા પણ રહેશે. આ કમિટીની અધ્યક્ષતા ભાજપ સાંસદ રાધા મોહન સિંહ કરશે.

આ વખતે નાણાં અને વિદેશ મંત્રાલય સાથે જોડાયેલ સ્ટેન્ડિંગ કમિટીની અધ્યક્ષતા કોંગ્રેસને સોંપી નથી. પાછલી લોકસભામાં ઇન સ્ટેન્ડિંગ કમિટીઓની અધ્યક્ષતા કોંગ્રેસ કરી રહી હતી. આપને જણાવી દઇએ કે ૧૬મી લોકસભામાં કોંગ્રેસ સાંસદ વીરપ્પા મોઇલી નાણાંકીય બાબતો પર બનેલી સ્ટેન્ડિંગ કમિટીની અધ્યક્ષતા કરી રહ્યા હતા, જયારે શશિ થરૂર વિદેશ બાબતો પર બનેલી સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ હતા. આ વખતે આ બંને અગત્યની કમિટીઓની અધ્યક્ષતા ભાજપ સાંસદોને અપાઇ છે. હજારીબાગથી ભાજપ સાંસદ જયંત સિન્હાને નાણાં જયારે પીપીચૌધરીને વિદેશ મંત્રાલય સાથે જોડાયેલી સમિતિના અધ્યક્ષ બનાવ્યા છે.

લોકસભા સચિવાલયે સંસદની સ્ટેન્ડિંગ કમિટી સાથે જોડાયેલા માહિતી શુક્રવારના રોજ મોડી રાત્રે રજૂ કરી છે. તિરૂવનંતપુરમ લોકસભા સીટ પરથી ચૂંટણી જીતનાર શશિ થરૂરને આ વખતે આઇટી મંત્રાલય સાથે જોડાયેલી સમિતિઓના અધ્યક્ષ બનાવ્યા છે. તો આનંદ શર્માને ગૃહ મંત્રાલય સાથે જોડાયેલ સંસદીય સમિતિના અધ્યક્ષ બનાવ્યા છે.

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રક્ષા મંત્રાલય સાથે જોડાયેલી સંસદીય સ્થાયી સમિતિના સભ્ય તરીકે પસંદ કરાયા છે. ભાજપ સાંસદ જુએલ ઓરાંવ રક્ષા બાબતો પર બનેલી સંસદીય સમિતિના અધ્યક્ષ હશે. રાહુલ ગાંધી પાછલી લોકસભામાં વિદેશ મંત્રાલય સાથે જોડાયેલી સંસદીય સમિતિના સભ્ય હતા.

ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયન પાછલી લોકસભામાં ટ્રાન્સપોર્ટ, ટુરિઝમ, અને સંસ્કૃતિ પર બનલી સંસદીય સમિતિની અધ્યક્ષા કરી રહ્યા હતા, આ વખતે આ સમિતિની અધ્યક્ષતા તાજેતરમાં ટીડીપીમાંથી ભાજપમાં આવેલા સાંસદ ટીજી વેંકટેશને સોંપી છે. ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયનને માનવ સંસાધન વિકાસ પર બનેલી કમિટીના સભ્ય તરીકે નિમાયા છે. આ કમિટીની અધ્યક્ષતા ભાજપ સાંસદ સત્યનારાયણ જટિયા કરશે.

આપને જણાવી દઇએ કે સ્ટેન્ડિંગ કમિટીની સભ્યતા અને અધ્યક્ષતાની જવાબદારી સરકારની ભલામણ પર લોકસભા સ્પીકર અને રાજયસભાના ચેરમેન દ્વારા સોંપી દેવાય છે.

(10:28 am IST)