Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

વિદેશ જવા રોબર્ટ વાઢેરાને લીલીઝંડી મળી : સ્પેન જશે

કારોબારના સંદર્ભમાં ૨૧મીએ સ્પેન જશે : મની લોન્ડરિંગના મામલામાં રોબર્ટ વાઢેરાની વિરૂદ્ધ ઉંડી તપાસ

નવીદિલ્હી,તા.૧૩ : દિલ્હીની એક અદાલતે રોબર્ટ વાઢેરાને વિદેશ જવાની મંજુરી આપી દીધી છે. જુદા જુદા વિવાદોમાં રહેલા અને કેટલાક મામલામાં તપાસનો સામનો કરી રહેલા રોબર્ટ વાઢેરાને કારોબારના સંદર્ભમાં સ્પેન જવાની મંજુરી મળી ગઈ છે. સ્પેશિયલ જજ અરવિંદ કુમારે વાઢેરાને ૨૧મી સપ્ટેમ્બરથી ૮મી ઓક્ટોબર સુધી સ્પેનના પ્રવાસે રહેવા મંજુરી આપી દીધી છે. મની લોન્ડરિંગ મામલામાં તપાસનો સામનો કરી રહેલા રોબર્ટ વાઢેરાની મુશ્કેલી આંશિકરીતે હળવી થઇ છે. રોબર્ટ વાઢેરા હાલમાં જામીન ઉપર ચાલી રહ્યા છે. આ વર્ષે એપ્રિલ મહિનામાં કોર્ટે મની લોન્ડરિંગના કેસમાં વાઢેરાને જામીન આપીને  તેમના વિદેશ જવા ઉપર પ્રતિબંધ મુક્યો હતો. વાઢેરાએ જૂન મહિનામાં પણ વિદેશ જવાની મંજુરી કોર્ટ સમક્ષ માંગી હતી. જો કે, કોર્ટે એ વખતે તેમની અરજીને ફગાવી દીધી હતી. ત્યારબાદ ૯મી સપ્ટેમ્બરના દિવસે તેઓએ ફરી એકવાર વિદેશ જવા માટેની પરવાનગી માંગી હતી.

               આના ઉપર કોર્ટે સુનાવણી માટે ૧૨મી સપ્ટેમ્બરની તારીખ નક્કી કરી હતી. ૧૨મી તારીખના દિવસે સુનાવણી બાદ કોર્ટે આજ સુધી તેનો ચુકાદો અનામત રાખ્યો હતો અને આજે સુનાવણી વેળા રોબર્ટ વાઢેરાને વિદેશ જવાની મંજુરી આપી દીધી હતી. વાઢેરાએ આ વર્ષે જૂનમાં આવી જ અરજી કરી હતી તે વખતે તેઓ મેડિકલ હેતુથી લંડન, અમેરિકા અને નેધરલેન્ડ જવા ઇચ્છુક હતા. એ વખતે કોર્ટે અમેરિકા અને નેધરલેન્ડ જવાની મંજુરી આપી હતી પરંતુ લંડન જવા માટેની પરવાનગી આપવામાં આવી ન હતી. વાઢેરા મની લોન્ડરિંગ સાથે જોડાયેલા આરોપોનો સામનો કરી રહ્યા છે. આ સમગ્ર મામલો લંડનની એક પ્રોપર્ટી સાથે જોડાયેલો છે. આ પ્રોપર્ટી આશરે ૧.૯ મિલિયન પાઉન્ડની છે. એવા આક્ષેપ થઇ રહ્યા છે કે, આ પ્રોપર્ટી કથિતરીતે રોબર્ટ વાઢેરાની છે. જો કે, કોંગ્રેસ આને રદિયો આપે છે.

(12:00 am IST)