Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

ભાજપના નેતાને ચૂંટણીમાં માત્ર એક જ મત મળ્યો !

કોઇમ્બતુરમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઇ હતી :પરિવારના પાંચ સભ્યોએ વોટના આપ્યો હોવાના દાવા વચ્ચે ભાજપના નેતાએ કહ્યું, મારા માટે ૧ વોટ પણ જીત સમાન

કોઈમ્બતુર,તા.૧૩:તમિલનાડુમાં તાજેતરમાં સમ્પન્ન થયેલી સ્થાનિક સ્વરાજ્યની પેટાચૂંટણીમાં ભાજપના નેતાને માત્ર એક જ વોટ મળ્યો છે. આ ઉમેદવારે ચૂંટણીમાં અપક્ષ તરીકે ઝંપલાવ્યું હતું. જોકે, મંગળવારે પૂરી થયેલી મતગણતરીમાં તેમને માત્ર એક જ વોટ મળતા આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. ટ્વીટર પર પણ ભાજપના ઉમેદવારનું પર્ફોમન્સ ટ્રેન્ડમાં હતું. અહેવાલ અનુસાર, AKS નગરના ડી કાર્તિક (ઉ. ૩૩ વર્ષ) કુરુડપાલયમ ગ્રામ પંચાયત ચૂંટણીના વોર્ડ નં.૯ના ઉમેદવાર હતા. જોકે, તેમને માત્ર એક જ મત મળતા સ્થાનિક ન્યૂઝ ચેનલ્સમાં પણ આ સમાચાર આગની જેમ ફેલાઈ ગયા હતા. કાર્તિક કોઈમ્બતુર નોર્થ ડિસ્ટ્રિક્ટના ભાજપના યુવા મોરચાના ઉપપ્રમુખ પણ છે, અને તેઓ મોબાઈલની દુકાન ધરાવે છે. પેટાચૂંટણીમાં તેમને ગાડીનું ચિન્હ ફાળવવામાં આવ્યું હતું. ગુરુવારે બપોરે મતગણતરી પૂરી થઈ ત્યારે કાર્તિકને માત્ર એક જ મત મળ્યો હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કાર્તિકના પાંચ પરિવારજનો પણ તે જે વોર્ડમાંથી ચૂંટણી લડી રહ્યો હતો ત્યાંના મતદાર છે, પરંતુ તેને તેમના મત પણ નથી મળ્યા. આ બાબતે પણ ભાજપના ઉમેદવારને ખાસ્સો ટ્રોલ કરવામાં આવ્યો હતો. આ અંગે વાત કરતા કાર્તિકે જણાવ્યું હતું કે તેમણે ભાજપના ચિન્હ પર નહીં, પરંતુ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. જોકે, કેટલાક રાજકીય પક્ષો તેમને મળેલી વોટની સંખ્યાને ભાજપ સાથે સાંકળીને તેની છબીને નુક્સાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. કાર્તિકે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વિડીયો પણ પોસ્ટ કર્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે તેઓ વોર્ડ નં.૯માં ખાસ જાણીતા નથી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તેઓ પોતે અને તેમના પરિવારજનો આ વોર્ડમાં નોંધાયેલા ઉમેદવાર પણ નથી. તેમનું નામ વોર્ડ નં.૪માં ચાલે છે. પરિવારજનોએ પણ પોતાને વોટ ના આપ્યા હોવાના અહેવાલોને ખોટા ગણાવતા તેમણે કહ્યું હતું કે, તેમને મળેલો એક મત પણ તેમના માટે વિજય સમાન છે. આગામી ચૂંટણીમાં પોતે વોર્ડ નં.૪માંથી ઝંપલાવશે અને આકરી મહેનત કરી જીત પ્રાપ્ત કરશે તેવો વિશ્વાસ પણ તેમણે પ્રગટ કર્યો હતો.

(3:48 pm IST)