Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

ચલો બઢાએ પ્રયાસ કા ચરન, જીવિત હૈ બહોત ઉમ્મીદ કી કિરન...

દિલ્હીનો 'વિકાસ' બતાવવા 'આપ' ગુજરાતથી સ્પેશ્યલ ટ્રેનો દોડાવશે

ગાંધીનગરનું પરિણામ જનાધારની દ્રષ્ટિએ આમ આદમી પાર્ટી માટે આશાસ્પદ : પાંચેક હજાર કાર્યકરોને દિલ્હી મોડેલ બતાવી તેનો ગુજરાતમાં પ્રચાર કરાવવાનું આયોજન : ડીસેમ્બર સુધીના સંગઠનાત્મક કાર્યક્રમો નક્કી

રાજકોટ તા. ૧૩ : રાજ્યમાં વિધાનસભાની આગામી ચૂંટણીમાં જોરશોરથી મેદાને આવવા થનગની રહેલ આમ આદમી પાર્ટી ગુજરાતના કાર્યકરોને દિલ્હી તેડાવી ત્યાંનો વિકાસ બતાવી તેના દ્વારા ગુજરાતમાં પ્રચાર કરાવવા માંગતી હોવાની માહિતી છે. હાલ 'આપ'નું વધુ ધયાન પંજાબ વિધાનસભાની ચૂંટણી પર છે. શ્રી અરવિંદ કેજરીવાલ ત્યાંથી પરવારે પછી ગુજરાત પર ધ્યાન વધારવા માંગે છે. થોડા દિવસ પહેલા ગુજરાત 'આપ'ના હોદ્દેદારોને દિલ્હી બોલાવી ડીસેમ્બર ૨૦૨૧ સુધીના કાર્યક્રમોની માહિતી આપી હતી.

ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં 'આપ'ને માત્ર ૧ બેઠક મળી છે પણ કુલ મતમાંથી ૨૨ ટકા મત મળ્યા છે. ઉદય પામી રહેલી પાર્ટી માટે આટલો જનાધાર ઘણો આશાસ્પદ હોવાનું શ્રી કેજરીવાલે રાજ્યના આગેવાનોને સમજાવ્યું હતું. કોંગ્રેસની જેમ ભાજપના મત પણ કાપવાની રણનીતિ તૈયાર થઇ રહી છે. ઉમેદવારો વહેલા જાહેર કરવાની પણ ચર્ચા છે.

મળતી માહિતી મુજબ આવતા ૩ મહિનામાં બુથ સુધીની રચના પૂરી કરી દેવાની આપની ગણતરી છે. તે પૂર્વે તબક્કાવાર સંગઠનની બેઠકો થતી રહેશે. દિવાળી પછી રાજ્યના દરેક ઝોનના સરેરાશ એક-એક હજાર કાર્યકરોને સ્પેશ્યલ ટ્રેન દ્વારા દિલ્હીથી ગુજરાત તેડાવાશે. ત્યાંની સરકારી કચેરી, શાળાઓ, દરવાખાનાઓ વગેરેની મુલાકાત કરાવી તેનો કાર્યકરો રૂબરૂ તેમજ પ્રચારના અલગ-અલગ માધ્યમો દ્વારા ગુજરાતમાં વ્યાપક પ્રચાર કરે તેવો હેતુ છે. ગુજરાતમાં 'આપ'ને સત્તા મળે તો સસ્તી, સરળ અને શ્રેષ્ઠ સરકારી સુવિધા અપાશે તેવી વાત લોકોના ગળે ઉતરાવવાનો પ્રયાસ થશે.

(11:39 am IST)