Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

મોબલિંચિંગ ચુકાદાને અમલી કરવા રાજ્યોને આદેશ કરાયો

સુપ્રીમ કોર્ટે રાજ્યોને સ્પષ્ટ આદેશ આપ્યોઃ મોબ લિંચિંગની ઘટનાઓને રોકવા યોગ્ય કાર્યવાહી હાથ ધરવાના આદેશોને અમલી કરવા એક સપ્તાહની મહેતલ

નવીદિલ્હી, તા. ૭: સુપ્રીમ કોર્ટે આજે એક મહત્વપૂર્ણ પહેલ કરીને મોબ લિંચિંગની ઘટનાઓને રોકવા જોરદાર આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે તેના ઐતિહાસિક ચુકાદાને અમલી કરવા રાજ્યોને એક સપ્તાહની મહેતલ આપી હતી. પ્રોશીડરની રચના કરવાના આદેશને અમલી કરવા કહેવામાં આવ્યું છે. જુલાઈ મહિનામાં ચીફ જસ્ટિસ દિપક મિશ્રા અને જસ્ટિસ એએમ ખાનવીલકર તેમજ બીવાય ચંદ્રચુડની બનેલી બેંચે કહ્યું હતું કે, રાજ્ય અને કેન્દ્ર સરકારે અટકાયતી, સજાત્મક અને ઝડપી પગલા લેવા જોઇએ. ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટે પગલા લેવાની જરૂર છે. સીજેઆઈ મિશ્રાએ કહ્યું છે કે, કેન્દ્ર અને રાજ્યોએ મોબ લિંચિંગની ઘટનામાં આરોપીઓને સજા કરવા તથા આવી ઘટનાઓને રોકવા સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશોની વિગતો અંગે વિસ્તૃત અહેવાલ રજૂ કરવા રાજ્યોને આદેશ કર્યો હતો. પોતાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે મોબ લિંચિંગની ઘટનામાં ભાગ લેનાર અપરાધીઓને સજા કરવા અલગ કાયદો ઘડી કાઢવા સંસદને પણ ભલામણ કરી છે. આમા જણાવવામાં આવ્યું છે કે, મોબોક્રેસીના કમકમાટીભર્યા કૃત્યોને ચલાવી લેવાય તેમ નથી. નવા ધારાધોરણને પણ મંજુરી આપી શકાય તેમ નથી. મોબ લિંચિંગની ઘટનાઓને લોખંડી હાથે ડામી દેવામાં આવે તે જરૂરી છે. કોઇપણ નાગરિક પોતાના હાથમાં કાયદાઓને લઇ શકે નહીં.

(9:53 pm IST)