Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

સરકાર દેવા માફ કરે તો હાર્દિક અને કોંગ્રેસને જશ, ન કરે તો ખેડૂતોનો રોષ વધશે

સંપૂર્ણ દેવા માફી આર્થિક રીતે પણ પરવડે તેમ નથીઃ ઉપવાસ પૂરા કરાવવા સમિતિ બનાવવા જેવું આશ્વાસન આપવાની શકયતા

રાજકોટ તા.૭: રાજય સરકાર સામે પાટીદાર અનામત અને ખેડૂતોના દેવા માફી મુદ્દે ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલની તબિયત પર અસર દેખાતા અને તેના પ્રત્યાઘાતો  પડવાનું શરૂ થઇ જતા સરકારની ચિંતા વધી છે. સરકારની ધારણા કરતા મુદ્દો વધુ પકડાય જતા હવે કઇ રીતે બહાર નીકળવું તેનો રસ્તો સરકાર શોધી રહી છે. જો અત્યારના સંજોગોમાં સરકાર દેવા માફ કરેતો સંપુર્ણ જશ હાર્દિક પટેલ અને કોંગ્રેસને મળી જાય તેમ છે. જો હાર્દિક ની માંગણી ન સ્વીકારે તો સરકાર સામે ખેડૂતોનો રોષ  વધે તેમ છે. મગફળીમાં માટીની ભેળસેળ અને ગોડાઉનમા઼ આગ લાગવાની ઘટનાએ સરકારની આબરૂ ધુુળધાણી કરી નાખેલ. અધુરામાં પુરુ હાર્દિકના આંદોલનનો મોટો પડકાર ઉભો થઇ ગયો છે.

સરકારના સુત્રો એવું કહે છે કે, દેવા માફીની માંગણી સ્વીકારવાની રાજકીય અસરને ધ્યાને ન લેવાય તો પણ આટલું ભારણ સરકારને આર્થિક રીતે પરવડે તેમ નથી. સરકારે મધ્યસ્થીઓ દ્વારા આંદોલનનો સંકેલો કરાવવા પ્રયાસો શરૂ કર્યાં છે.

સરકારે હાલ ખેડૂતો માટે સરકારે કરેલી કામગીરીને ઉપસાવવા માંગે છે. ખેડૂતલક્ષી કેટલીક જાહેરાતો થાય તેવી શકયતા નકારાતી નથી.

માંગણીઓ બાબતે સમિતિની રચના કરવા જેવું કોઇ આશ્વાસન આપીને હાર્દિકને પારણા કરાવવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. સરકારનો ઇરાદો અત્યારે કોંગ્રેસને જશ મળે નહિ અને ભાજપને નુકસાન જાય નહિ તેવો રસ્તો કાઢવાનો છે.(૧.૧૩)

 

(11:51 am IST)