Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

જેટ એરવેઝ ગૂંચ : પગાર નહીં મળવાને લઈને પાયલોટ ખફા

જેટ એરવેઝ પર રોકડ કટોકટીના વાદળો ઘેરાયા : જેટ એરવેઝના પાયલોટો અને એન્જિનિયરોને છેલ્લા બે મહિનાથી પગારમાં વિલંબ થઈ રહ્યો છે : સ્થિતિ વણસશે

મુંબઇ, તા. ૬ : નાણાકીય સમસ્યાઓનો સામનો કરી રહેલી જેટ એરવેઝ કંપનીને હવે વધુને વધુ મુશ્કેલી પડી રહી છે. પગાર ન મળવાના કારણે પાયલોટે નારાજગી વ્યક્ત કરી છે અને સહકાર ન આપવાની ચેતવણી આપી છે. જેટ એરવેઝના પાયલોટો અને એન્જિનિયરોના પગારમાં વિલંબની સ્થિતિ જોવા મળી રહી છે. સતત બીજા મહિને વિલંબ રહેતા પાયલોટોએ ચૂકવણીમાં વિલંબને લઈને મેનેજમેન્ટની સામે અસહકારની ચેતવણી આપી દીધી છે. નરેશ ગોયલની ખાનગી એરલાઈન્સ જેટ એરવેઝ પર રોકડ સંકટ તોળાઈ રહ્યું છે. કંપનીને સતત બે ત્રિમાસિક ગાળામાં નુકસાન થઈ રહ્યું છે. કંપનીમાં સંયુક્ત અરબ અમિરાતની રાષ્ટ્રીય વિમાન કંપની એતીહાદને પણ નુકસાન થઈ રહ્યું છે. આ કંપનીમાં તેની ૨૪ ટકા હિસ્સેદારી રહેલી છે. જેટ એરવેઝને વર્તમાન નાણાકીય વર્ષના માર્ચ ત્રિમાસિક ગાળામાં ૧૦૩૬ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે જે જૂન ત્રિમાસિક ગાળામાં વધીને ૧૩૦૦ કરોડ રૂપિયા પહોંચી ગયું છે. જેટ એરવેઝના પાયલોટોએ આ સપ્તાહની શરૂઆતમાં મેનેજમેન્ટને લખવામાં આવેલા પત્રમાં કહ્યું હતું કે પૂર્વ નોટિસ બદલ પેમેન્ટ રોકવાની બાબત યોગ્ય દેખાતી નથી. આ બાબત ખૂબ જ ગંભીર છે. આને લઈને કોઈ પ્રતિક્રિયા થશે તો મેનેજમેન્ટ આના માટે જવાબદાર રહેશે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે અમે એવી સલાહ આપવા માંગીએ છીએ કે સમય પર વેતનની ચૂંકવણી ન થવાની સ્થિતિમાં પાયલોટ અસહકાર કરશે, સહયોગ આપશે નહીં. આ સંદર્ભમાં જેટ એરવેઝને મોકલવામાં આવેલા પ્રશ્નના સંદર્ભમાં કોઈ જવાબ મળ્યા નથી. જેટ એરવેઝ જુલાઈની ચૂકવણીમાં વિલંબ કરી રહી છે. આ પહેલા કંપની જૂનના અંતમાં કર્મચારીના વેતનમાં ૨૫ ટકા સુધી ઘટાડો કરવાની દરખાસ્ત મુકી હતી. પાયલોટોના યુનિયન નેશનલ એવિએટર્સ ગિલ્ડ તથા એન્જિનિયરોના વિરોધ બાદ ટાળી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પગાર ન મળવાને લઈને પાયલોટો નારાજ દેખાઈ રહ્યા છે.

(7:26 pm IST)