Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

બિહારમાં નેશનલ હાઈવે પર પૂરતી સુવિધાઓ સાથે ઢાબા ખોલનારાઓને ગ્રાન્ટ આપવાની સરકારની મોટી જાહેરાત

ઢાબામાં રેસ્ટોરન્ટ જેવી એટ્લે કે, વોશરૂમ સાથે પાર્કિંગ અને તમામ પાયાની સુવિધાઓ ધરાવતા સંચાલકોને 50 લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ અપાશે

પટના તા. 07 : બિહારમાં નેશનલ હાઇવે પર ઢાબા ખોલવા માંગતા લોકો માટે બિહાર સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. જે ઢાબામાં રેસ્ટોરન્ટ જેવી એટલે કે, વોશરૂમ સાથે પાર્કિંગ અને તમામ પાયાની સુવિધાઓ હશે તેઓને સરકાર 50 લાખ સુધીની ગ્રાન્ટ આપશે.

બિહાર સરકારના પર્યટન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 3 વર્ષમાં પ્રવાસન કેન્દ્રોને જોડતા તમામ રસ્તાઓ પર 150થી વધુ લક્ઝરી ઢાબા રેસ્ટોરન્ટ અને સુવિધા કેન્દ્રો ખોલવાની યોજના તૈયાર કરવામાં આવી છે. આ માટે વિભાગ દ્વારા પ્રવાસન કેન્દ્રો તરફ જતા 23 માર્ગોની ઓળખ કરવામાં આવી છે. જેમાં ઉત્તર પ્રદેશના વારાણસી, ગોરખપુર અને કુશીનગરને જોડતા રસ્તાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. જેને લઈ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ 23 માર્ગો પર 40 પ્રીમિયમ અને સ્ટાન્ડર્ડ ઢાબા રેસ્ટોરન્ટ્સ ખોલવામાં આવશે, જ્યારે 60 ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઢાબા રેસ્ટોરન્ટ્સ પણ ખોલવાની યોજના છે.

 

સરકારની યોજના છે કે, પહેલાથી ચાલી રહેલા ઢાબાને વધુ સુવિધાઓ આપવામાં આવશે. આ માટે વિભાગ ખાનગી રોકાણકારો અને ઓપરેટરોને 10 લાખથી 50 લાખ સુધીની ગ્રાન્ટ પણ આપશે. પ્રવાસીઓની સુવિધા માટે, પૂર્વ પશ્ચિમ કોરિડોર તરીકે ઓળખાતા ગોપાલગંજ, મુઝફ્ફરપુર, દરભંગા, સુપૌલ, પૂર્ણિયા, કિશનગંજ રૂટ પર 18 લક્ઝરી ઢાબા સાઇટ્સ જેવા સુવિધા કેન્દ્રો ખોલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ રસ્તો સૌથી લાંબો છે અને અહીંથી યુપીની સરહદ શરૂ થાય છે અને બંગાળ સુધી જાય છે.

પ્રવાસન વિભાગના જણાવ્યા અનુસાર, આ રૂટ પર ત્રણ પ્રીમિયમ સ્ટાન્ડર્ડ અને 4 બેઝિક ઢાબા રેસ્ટોરન્ટ ખોલવામાં આવશે. તે જ સમયે, પહેલેથી જ કાર્યરત 9 ઢાબાઓને સુવિધાજનક બનાવવામાં આવશે. પ્રવાસન વિભાગે નિર્ણય લીધો છે કે, આવી યોજનાનો લાભ લેવા રસ ધરાવતા રોકાણકારો પ્રવાસન વિભાગને અરજી કરવી પડશે. જે અરજદારો પાસે ઢાબા રેસ્ટોરન્ટ માટે રસ્તાના કિનારે પોતાની જમીન ઉપલબ્ધ હશે, તેમને વધુ છૂટ આપવામાં આવશે. આ ઉપરાંત, રોડ સાઈડની ઓછામાં ઓછી અડધા એકર જમીનમાં ચાલતા હાલના લક્ઝરી ઢાબાને અપગ્રેડ કરવા માટે પ્રાધાન્ય આપવામાં આવશે. આ માટે 20 લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ પણ આપવામાં આવશે.

(10:59 pm IST)