Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

દિલ્હી, સહીત દેશના 13 રાજ્યોમાં ધોધમાર વરસાદની ચેતવણી :NDRF ની 89 ટીમોને હાઇએલર્ટ કરી દેવાઈ

આસામમાં 12 ટીમો, બિહારમાં 7, ગુજરાત જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડમાં 4-4 ટીમ મોકલાઈ

નવી દિલ્હી :દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર અને જમ્મુ-કાશ્મીર સહિત દેશના 13 રાજ્યોમાં ધોધમાર વરસાદની હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે. જેને ધ્યાનમાં રાખી નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની 89 ટીમોને હાઈએલર્ટ કરી દેવામાં આવી છે.

  એનડીઆરએફે જણાવ્યું કે, વરસાદ દરમ્યાન પૂરની આગાહીવાળા વિસ્તારોમાં 45 ટીમોને તેનાત કરી દેવામાં આવી છે. પૂર આવવાની સંભવિત સ્થિતિથી લડવા માટે સક્ષમ અને વિશેષ બચાવકર્મીઓને ટીમમાં સામેલ કરી દીધા છે. જેમાં વધુ આસામમાં 12 ટીમો, બિહારમાં 7, ગુજરાત જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડમાં 4-4 તથા અરૂણાચલ પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં ત્રણ-ત્રણ ટીમો મોકલવામાં આવી છે. દિલ્હી અને પંજાબમાં બે-બે અને ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ અને ત્રિપુરામાં એક-એક ટીમ મોકલવામાં આવી છે.

એનડીઆરએફની  ટીમો આસામ સહિત અન્ય રાજ્યોમાં પૂરની આશંકા હોય તેવા વિસ્તારોમાં અત્યાર સુધી 13,550 લોકોને સુરક્ષિત સ્થાનો પર મોકલી દીધા છે. સાથે વિસ્તારોમાં સ્થાનિક તંત્રના અધિકારીઓ સાથે મળી શાળા તથા અન્ય સ્થાનો પર પૂરની સ્થિતિ સામે લડવા માટે જાગૃતિ અભિયાન ચલાવાઈ રહ્યું છે.

(11:26 pm IST)