Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

અધિકારીઓ જ મંત્રીઓનું નહિ માને તો કેજરીવાલ સરકાર ચાલશે કેવી રીતે ?

સુપ્રિમ કોર્ટનો આદેશ નહિ માનવો એ તો ચોખ્ખે ચોખ્ખુ અપમાનઃ દિલ્હીમાં સમાધાનને બદલે સમસ્યા વધી !: જમીન, પોલીસ સિવાય એલ.જી.ની સહમતિ જરૂરી નથી, આદેશ સારો લાગે કે ન લાગે માનવો તો પડશે જઃ નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયા

નવી દિલ્હી, તા. ૫ :. દિલ્હીની કેજરીવાલ સરકાર અને એલ.જી. વચ્ચે છેલ્લા કેટલાક સમયથી કોઈને કોઈ કારણસર ટકરાવ ચાલી રહ્યો હતો. જેમાં ગઈકાલે રાજ્ય સરકાર તરફ સુપ્રીમ કોર્ટનો આદેશ આવ્યા બાદ પણ સમસ્યાનુ સમાધાન થવાના બદલે વકરવાના એંધાણ વર્તાઈ રહ્યા છે... અધિકારીઓ જ જો મંત્રીઓનુ નહિ માને તો સરકાર ચાલશે કેવી રીતે ? તેવો અણીયારો સવાલ નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ ઉઠાવ્યો છે.

આજે પત્રકારો સમક્ષ શ્રી સિસોદીયાએ સુપ્રીમ કોર્ટની ખંડપીઠના આદેશને દિલ્હીની બે કરોડ જનતાનો વિજય ગણાવી જણાવ્યુ હતુ કે, જો અધિકારીઓ જ સુપ્રીમ કોર્ટનો આદેશ માનવા તૈયાર નથી તો તે ખરેખર અપમાન નહિ તો બીજુ શું ? મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને એલ.જી. વચ્ચે અધિકારોની લડાઈ ચાલે છે. એવી જ રીતે ટ્રાન્સફર અને પોસ્ટીંગ મુદ્દે પણ વિવાદ વકરવા લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે ચોખ્ખે ચોખ્ખુ કીધુ છે કે, કેન્દ્ર પાસે માત્ર ૩ બાબતનો જ પાવર રહેશે, તો પછી અધિકારીઓને પણ સમજાવવા જોઈએ સાથે સાથે દિલ્હીના વિકાસ માટે જરૂરી સહમતી પણ આપવી જરૂરી છે.

આદેશ સારો લાગે કે ન લાગે પણ માનવો પડશે તેમ કહી ઉમેર્યુ હતુ કે, એલ.જી. વહીવટી પ્રમુખ હોવાથી સરકાર નિર્ણયોની તમામ જાણકારી આપતી રહેશે. એલ.જી.ને કેબીનેટની સલાહ ઉપર કામ કરવાનુ રહેશે. કોઈપણ બાબતમાં એકબીજાના સાથ કે સહયોગ વગર આગળ વધી શકાતુ નથી, બસ એવી જ રીતે એલ.જી. અને કેન્દ્ર સરકારે પણ સહયોગ આપવો જરૂરી બની જાય છે.

સાથે સાથે શ્રી સિસોદીયાએ એમ પણ કહેલ કે, સુપ્રીમ કોર્ટના આદેશ પછી હવે કેજરીવાલ સરકારને જમીન અને પોલીસ સિવાય અન્ય કોઈ કામગીરીમાં એલ.જી.ની સહમતી લેવાની જરૂર રહેશે નહિ.

કહેવાય છે કે, દિલ્હીમાં સરકારી બાબુઓ ઉપર કેજરીવાલ સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના ફેંસલાની અવગણનાનો આરોપ મુકાયો છે ત્યારે આગામી સમયમાં ટકરાવ કેટલી હદે પહોંચે છે? એ તો સમય જ બતાવશે.(૨-૨૧)

 

(4:32 pm IST)